બ્રેકિંગ ન્યૂઝ | રાજકોટ
નવાં વર્ષના સ્વાગત માટે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રાજકોટ પોલીસ સંપૂર્ણ રીતે અલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી અંતર્ગત રાજકોટ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. આધુનિક હાઈટેક મશીનરી અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટના ઉપયોગથી શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો તથા સ્થળોની તપાસ કરવામાં આવી.
પોલીસના જણાવ્યા અનુસાર, નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રગ્સ, નશીલા પદાર્થો અથવા અન્ય ગેરકાયદેસર સામગ્રીના ઉપયોગને અટકાવવાનો મુખ્ય હેતુ છે. જાહેર સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ તેમજ શહેરના મુખ્ય માર્ગો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહ્યું છે.


