(આઝાદ સંદેશ),રાજકોટ: સોસાયટીમાં વાહન પાર્ક કરવા બાબતે યુવાનને પડોશીઓએ ગેરકાયદે મંડળી રચી બેફામ રીતે મારકુટ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રૈયા રોડ પરના શાંતિનિકેતન પાર્ક શેરી નં.1માં રહેતા અને જામનગરમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા બ્રીજેશ મહેન્દ્રભાઇ શુક્લ (ઉ.41)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સોસાયટીમાં પાર્કિંગ બાબતે બે દિવસથી બોલાચાલી થતી હતી. ગઇકાલે રાત્રે લત્તામાં ઢોસાની દુકાન ધરાવતા વેપારીએ તેને કહ્યું કે તમારા લત્તામાં વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરાવો, જેથી મારા ગ્રાહકને તકલીફ ન પડે આ વાત તે લત્તામાં રહેતા ચંદ્રેશભાઇ મહેતાને કહેવા જતા તમામ આરોપીઓએ ગાળો ભાંડી, તેને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો એટલું જ નહીં તમાચો ઝીંકતા ચશ્મા તુટી ગયા હતા.
આ ઉપરાંત ગળામાં પહેરેલો સોનાનો ચેન પણ નીચે પડી ગયો હતો. દેકારો થતાં તેના માતા-પિતા બહાર દોડી આવ્યા હતા અને વચ્ચે પડી છોડાવતા એક આરોપીએ તેના પિતાને પણ ધક્કો મારી દીધો હતો. ત્યાર પછી તેના પિતાએ પોલીસ કંટ્રોલ રૂમ અને 108માં કોલ કર્યો હતો. 108માં તેણે સિવિલમાં જઇ સારવાર લીધી હતી. આરોપીઓ તેને માર મારતી વખતે કહેતા હતા કે આજે તો તને જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. તેનું ટીશર્ટ પણ ફાડી નાખ્યું હતું. ગાંધીગ્રામ-2 પોલીસે આ ફરિયાદના આધારે ચંદ્રેશ મહેતા, તેના પુત્ર વંદન, પીન્ટુ બારોટ, તેના પુત્ર અવનીલ, વિપુલ શેખડા અને ધામીના પિતા સહીતના વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રૈયા રોડ ઉપર શાંતિનિકેતન સોસાયટીમાં વાહન પાર્ક કરવા બાબતે યુવાન ઉપર પડોશીઓનો હુમલો
