આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો હતો. ઇઝરાયલ દ્વારા નાતાન્ઝમાં ઇરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવાના સમાચારથી ચિંતા વધી છે કે આ ક્ષેત્રમાં તણાવ વધુ ઘેરો બની શકે છે, જેના કારણે તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયાને આજે 7મો દિવસ છે. બંને દેશો એકબીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે, જેમાં ઈરાનને સૌથી વધુ નુકસાન થયું છે. ઇઝરાયલના હુમલામાં જ્યારે ઈરાનના ટોચના સેના કમાન્ડર અને 9 પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયા છે, ત્યારે ઈરાનના હુમલામાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સીનું મુખ્યાલય અને શેરબજારની ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે.
નિષ્ણાતોના મતે, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હાલ રોકી શકાય તેવી કોઈ શક્યતા નથી, પરંતુ અમેરિકાની સંડોવણીથી આ યુદ્ધ વધુ ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઈરાન વિશ્વનો ચોથો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે અને વિશ્વભરમાં 20 ટકા ક્રૂડ વેપાર ઈરાનની દરિયાઈ સરહદ દ્વારા થાય છે, આવી સ્થિતિમાં, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. જેનો બોજ આગામી દિવસોમાં સામાન્ય માણસ પર પડશે તે નિશ્ચિત છે.
ગુરુવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. આનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો હતો, જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે થયો છે. MCX પર જુલાઈ ડિલિવરી માટે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ રૂ. 6,360 પર ખુલ્યો હતો, જ્યારે અગાઉનો બંધ રૂ. 6,334 હતો. દિવસ દરમિયાન, તે 2% વધીને રૂ. 6,467 પર પહોંચ્યો હતો અને છેલ્લે રૂ. 6,443 પ્રતિ બેરલ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.