સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસમાં 40થી વધુ મૃતદેહનું પોસ્ટમોર્ટમ; ટ્રાવેલ સંચાલક અને આર એન્ડ બી વિભાગના કર્મચારી સહિત અનેક લોકોએ જીવ ગુમાવતા પરિવારોમાં શોક
રાજકોટ : રાજકોટ શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની ઉજવણી વચ્ચે હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 35 વર્ષીય યુવક સહિત 10 લોકોના હાર્ટ ફેઈલ થવાથી મૃત્યુ નિપજ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસ દરમિયાન હત્યા, આપઘાત અને અકસ્માત સહિત કુલ 40થી વધુ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં તહેવારોના દિવસોમાં અચાનક બેભાન થઈ જવાથી અને હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થવાના બનાવોની હારમાળા સર્જાઈ છે. મવડી ગામના જુનો વણકર વાસમાં રહેતા પ્રકાશ ગોવિંદ વાઘેલા (ઉં.36) તારીખ 9ના રોજ સવારે પોતાના ઘરે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ જ દિવસે સાંજે ગોકુલધામ ક્વાર્ટરમાં રહેતા સોનલબેન દિલીપ ચૌહાણ (ઉં.35) પણ ઘરે બેભાન થતા સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. માલવીયા નગર પોલીસે આ બંને બનાવોમાં મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
તારીખ 10ના રોજ પણ વહેલી સવારથી જ અચાનક મોતના બનાવો સામે આવ્યા હતા. રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા ધરમશી રૂડા મકવાણા (ઉં.41) સવારે 5:30 વાગ્યે અને કોઠારીયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડમાં રહેતા દીપક મનુ પાટડીયા (ઉં.46) સવારે 7:30 વાગ્યે ઘરે અચાનક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. આ ઉપરાંત ગંજીવાડા શેરી નંબર 42માં રહેતા ધીરુ કેશુ ભોજાણી (ઉં.45) સવારે 9:30 વાગ્યે ઘરે બેભાન થતા થોરાળા પોલીસે તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે જંગલેશ્વર મેઇન રોડ પર રહેતા મુકેશ કિશોર દલસાણીયા (ઉં.37) વહેલી સવારે 4 વાગ્યે બેભાન થતા હોસ્પિટલ લવાયા હતા, જ્યાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બપોરના સમયે ચામુંડા સોસાયટીમાં રહેતા પ્રેમજી ડુંગર મિયાત્રા (ઉં.55)નું પણ ઘરે બેભાન થયા બાદ મૃત્યુ થયું હતું.
નવા વર્ષના પ્રારંભે શહેરમાં રહેતા અને રેલનગરમાં અમૃત ટુર ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણ (ઉં.35)નું હાર્ટ એટેકથી અવસાન થયું છે. દિવાળીના દિવસે બપોરે છાતીમાં દુખાવો ઉપડતા શિવરાજે હોસ્પિટલમાં ઈસીજી કરાવ્યો હતો, જેનો રિપોર્ટ સામાન્ય આવ્યો હતો. પરંતુ રાત્રે ફટાકડા ફોડીને પરિવાર સાથે સુઈ ગયા બાદ મોડી રાત્રે ફરી છાતીમાં અસહ્ય દુખાવો થતા તેઓ બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જેના કારણે પાંચ વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અન્ય એક ઘટનામાં આજીડેમ ચોકડી પાસે સોમનાથ રેસીડેન્સીમાં રહેતા શિવા ગગજી મકવાણા (ઉં.56)નું ફરજ દરમિયાન હૃદય બંધ પડી જતા મોત થયું છે. તારીખ 11ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં તેઓ કણકોટ પાટીયા પાસે આવેલી આર એન્ડ બી વિભાગની કચેરીમાં સાફ-સફાઈના કામ માટે ગયા હતા. કચેરીમાં કામ કરતી વખતે જ તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. પાછળથી ત્યાં પહોંચેલા અન્ય કર્મચારીઓએ તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના આંકડા મુજબ, દિવાળી અને બેસતા વર્ષના ચાર દિવસના સમયગાળામાં કુલ 40થી વધુ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. આ મૃત્યુઆંકમાં 2 હત્યા, 4 આપઘાત અને વિવિધ માર્ગ અકસ્માતના બનાવો ઉપરાંત 10 લોકોના હાર્ટ ફેઈલ અને બીમારીના કારણે થયેલા મોતનો સમાવેશ થાય છે. તહેવારોના માહોલ વચ્ચે એકસાથે આટલી મોટી સંખ્યામાં યુવાનો અને આધેડોના અકાળે અવસાન થવાથી સમગ્ર શહેરમાં અને મૃતકોના પરિવારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


