શુક્રવાર, નવેમ્બર 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટને નવા વર્ષની ભેટ: હિરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાડવા ગૃહ મંત્રાલયની...

રાજકોટને નવા વર્ષની ભેટ: હિરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાડવા ગૃહ મંત્રાલયની સત્તાવાર મંજૂરી

ઉદ્ઘાટનના સવા ત્રણ વર્ષ બાદ ફોરેન ઇમિગ્રેશન ક્લિયરન્સની મંજૂરી સાથે કેટેગરી-1ના એરપોર્ટની યાદીમાં સમાવેશ : 9મી નવેમ્બરના ભારતીય ગેઝેટમાં અધિસૂચના પ્રસિદ્ધ કરવામાં આવી 

ઇમિગ્રેશન એપ્રુવલ મળી જતા એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિતની વિવિધ એરલાઇન્સ કંપનીઓ આગામી દિવસોમાં રાજકોટથી વિદેશની ફ્લાઇટ્સનું શિડ્યુલ જાહેર કરી શકશે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું લેન્ડિંગ-ટેકઓફ શક્ય બનશે

સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ, એનઆરઆઈ અને વિદ્યાર્થીઓને સીધો ફાયદો : પ્રવાસન ક્ષેત્રને વેગ મળવાની સાથે આર્થિક વિકાસની નવી તકો ઉભી થશે

રાજકોટ : રાજકોટના હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય તરફથી ફોરેન ઇમિગ્રેશન ક્લિયરન્સની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. ઉદ્ઘાટનના સવા ત્રણ વર્ષ બાદ કેટેગરી-1ના એરપોર્ટની યાદીમાં સમાવેશ થતા હવે રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ, પ્રવાસન, વિદ્યાર્થીઓ અને એનઆરઆઈ મુસાફરોને મોટી રાહત મળશે.

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 9 નવેમ્બર, 2026ના રોજ ભારતના રાજપત્ર (ગેઝેટ ઓફ ઇન્ડિયા)માં સત્તાવાર અધિસૂચના પ્રસિદ્ધ કરીને રાજકોટના હિરાસર એરપોર્ટને ફોરેન ઇમિગ્રેશન માટે મંજૂરી આપી છે. ઇમિગ્રેશન અને વિદેશી નાગરિકો વિષયક અધિનિયમ, 2025ની કલમ-4ની પેટાકલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને કેટેગરી-1ના એરપોર્ટની યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં ક્રમ નંબર 40 પર રાજકોટ હિરાસર એરપોર્ટને સ્થાન મળ્યું છે. ગૃહ મંત્રાલયના અધિક અગ્રસચિવની સહી સાથે જાહેર થયેલા આ નોટિફિકેશનથી રાજકોટ એરપોર્ટને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય ઇમિગ્રેશન સુવિધાઓ વિકસાવવાની માન્યતા મળી ગઈ છે.

27 જુલાઈ, 2023ના રોજ હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થયા બાદ અત્યાર સુધી અહીંથી માત્ર દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને ગોવા જેવી ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું જ સંચાલન થઈ રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સાંસદો, વેપારી સંગઠનો, ટૂર-ટ્રાવેલ ઓપરેટરો અને ઉદ્યોગપતિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે સવા ત્રણ વર્ષ બાદ ઇમિગ્રેશન એપ્રુવલ મળી જતા એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિતની વિવિધ એરલાઇન્સ કંપનીઓ આગામી દિવસોમાં રાજકોટથી વિદેશની ફ્લાઇટ્સનું શિડ્યુલ જાહેર કરી શકશે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું લેન્ડિંગ-ટેકઓફ શક્ય બનશે.

રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્રનું મુખ્ય વેપારી, ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર હોવાથી અહીંથી દેશ-વિદેશમાં અવરજવર કરતા મુસાફરોની સંખ્યા ઘણી મોટી છે. હિરાસર એરપોર્ટ પર ઇમિગ્રેશન ક્લિયરન્સ મળવાથી સ્થાનિક ઉદ્યોગકારો, વેપારીઓ, પ્રવાસીઓ તેમજ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને એનઆરઆઈ મુસાફરોને મોટી સુવિધા મળશે. અત્યાર સુધી વિદેશ જતી કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા માટે મુસાફરોને અમદાવાદ, મુંબઈ કે દિલ્હી સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ આગામી સમયમાં સીધી સેવા શરૂ થતા મુસાફરોના સમય અને નાણાં બંનેની નોંધપાત્ર બચત થશે.

આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણ શરૂ થવાથી સૌરાષ્ટ્રના પ્રવાસન અને વેપાર-ઉદ્યોગને નવી દિશા મળશે તેવી પ્રબળ આશા છે. વિદેશી પ્રવાસીઓ અને બિઝનેસ ડેલિગેટ્સ માટે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં પહોંચવું વધુ સરળ બનશે, જેનાથી સ્થાનિક અર્થતંત્ર અને નિકાસલક્ષી ઉદ્યોગોને મોટો વેગ મળશે. એરપોર્ટ પર ઇમિગ્રેશન સંબંધિત માળખાકીય સુવિધાઓ ઊભી થવાની પ્રક્રિયા તેજ બનતા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હવાઈ પરિવહન ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે.

જોકે, કેન્દ્ર સરકારની આ અધિસૂચના દ્વારા હિરાસર એરપોર્ટનો કેટેગરી-1ની યાદીમાં સમાવેશ કરીને ઇમિગ્રેશન માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની તારીખ કે રૂટની જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં, કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાનો સૌથી મહત્વનો તબક્કો પૂર્ણ થઈ ગયો હોવાથી હવે એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સ કંપનીઓ વચ્ચે સંકલન સાધીને ટૂંક સમયમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર