બુધવાર, ઓક્ટોબર 14, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ચોંકાવનારી ઠગાઈ: ૧૯ લાખનું હાયાબુસા બાઇક નકલી દસ્તાવેજોથી પોતાના નામે કરાવી...

રાજકોટમાં ચોંકાવનારી ઠગાઈ: ૧૯ લાખનું હાયાબુસા બાઇક નકલી દસ્તાવેજોથી પોતાના નામે કરાવી લેવાયું

ખોવાયેલી આરસી બુકનો ગેરફાયદા ઉઠાવી ઓનલાઇન ઓટીપી અને બોગસ સહીઓ દ્વારા આચરવામાં આવ્યું કૌભાંડ; પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

​રાજકોટ : રાજકોટમાં ૧૯ લાખ રૂપિયાની કિંમતનું સુઝુકી હાયાબુસા બાઇક ખોટા દસ્તાવેજો અને ઓનલાઇન છેતરપિંડી આચરીને પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એસ્ટેટ બ્રોકર યુવરાજસિંહ રાઠોડની ખોવાયેલી આરસી બુક મેળવી આરોપીએ ઓનલાઇન સિસ્ટમમાં પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરી આ આખું કૌભાંડ આચર્યું હતું. જ્યારે ફરિયાદી નવી આરસી બુક કઢાવવા ગયા ત્યારે આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.

​બનાવની વિગત મુજબ, રેલનગર વિસ્તારમાં રહેતા અને જમીન-મકાનની લે-વેચનો વ્યવસાય કરતા યુવરાજસિંહ દિલુભા રાઠોડે ફેબ્રુઆરી ૨૦૨૬માં સુરતના શો-રૂમમાંથી ૧૯ લાખની કિંમતનું હાયાબુસા બાઇક ખરીદ્યું હતું. તેમણે રૂ. ૨,૦૮,૦૦૦ની બોલી લગાવીને જીજે-03-કયુએ-0009 ફેન્સી નંબર પણ મેળવ્યો હતો. ગત જૂન મહિનામાં તેમણે બાઇક અને અસલ આરસી બુક મોરબી સ્થિત મિત્ર અમિતભાઈને વાપરવા આપ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં બાઇક પરત લાવ્યા ત્યારે અમિતભાઈએ અસલ આરસી બુક ખોવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

​દરમિયાન, રૈયા રોડ પર આવેલ શિવપરાના રહેવાસી રવિરાજસિંહ ભરતસિંહ ઝાલા નામના શખ્સે આ ખોવાયેલી આરસી બુક મેળવી લીધી હતી. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આરોપીએ ઓનલાઇન એપ્લિકેશનમાં મૂળ માલિકના બદલે પોતાનો મોબાઇલ નંબર અપડેટ કરી દીધો હતો. ત્યારબાદ આરટીઓ કચેરીના વાહન ટ્રાન્સફર માટેના ટીટીઓ ફોર્મમાં ફરિયાદી યુવરાજસિંહની ખોટી સહીઓ કરીને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. વાહન ટ્રાન્સફર પ્રક્રિયાનો ઓટીપી પોતાના ફોન પર મેળવીને તેણે આરટીઓ કચેરીમાં નકલી કાગળો રજૂ કરી બાઇક પોતાના નામે ચડાવી દીધી હતી.

​આ કૌભાંડની જાણ ફરિયાદીને ત્યારે થઈ જ્યારે તેમના આરટીઓ એજન્ટ મિત્રએ ‘એમ પરિવહન’ એપ્લિકેશનમાં ચેક કરીને બાઇકના માલિક બદલાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. ઓનલાઇન તપાસ દરમિયાન ફરિયાદીના આધારકાર્ડ સાથે આરોપીનું આધારકાર્ડ અને નકલી સહીવાળું ટ્રાન્સફર ફોર્મ મળી આવ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે કાગળ પર વાહનની માલિકી બદલાઈ ગઈ હોવા છતાં, ૧૯ લાખનું લક્ઝુરિયસ હાયાબુસા બાઇક પ્રત્યક્ષ રીતે ફરિયાદી યુવરાજસિંહ પાસે જ પડ્યું હતું.

​સમગ્ર છેતરપિંડી બહાર આવતા યુવરાજસિંહે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં રવિરાજસિંહ ઝાલા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા તથા આરટીઓ સિસ્ટમમાં થયેલી આ ગંભીર સિક્યોરિટી ચુક અંગે ઊંડી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર