આંતરરાષ્ટ્રીય સ્તરે એલએનજી મોંઘું થતાં ભાવવધારો, પ્રતિકિલો સીએનજીના ભાવ રૂ.૮૬.૯૮ થયા
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દિલ્હીમાં સીએનજી વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ.૩.૮૯નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે દિલ્હીમાં સીએનજીની કિંમત રૂ.૮૩.૦૯ થી વધીને રૂ.૮૬.૯૮ પ્રતિ કિલો થઈ ગઈ છે. આ નવો ભાવ આઇજીએલ સપ્લાય કરતા તમામ વિસ્તારોમાં લાગુ પડશે.કંપનીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરજવર પ્રભાવિત થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં એલએનજીના ભાવમાં ભડકો થયો છે. વૈશ્વિક સ્તરે ગેસના ભાવ બમણા થઈ ગયા હોવાથી અને યુરોપમાં શિયાળા પહેલા ગેસ સંગ્રહની માંગ વધવાથી આ ભાવવધારો કરવાની ફરજ પડી છે. જોકે, વૈશ્વિક બજારની સરખામણીએ દિલ્હીમાં ભાવવધારો સીમિત રખાયો હોવાનો કંપનીનો દાવો છે.


