પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ સ્ટાફે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવીને મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર વાળાની રૂ.75 હજારના ડ્રગ્સ સાથે ધરપકડ કરી
રાજકોટ : રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા સતત બીજા દિવસે કાર્યવાહી કરીને મેફેડ્રોન ડ્રગ્સ સાથે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવીને મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર વાળા નામના શખ્સને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં તેની પાસેથી ૨૪.૯૪૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. ૭૪,૮૨૦ આંકવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ, મોબાઇલ ફોન અને ભાડે રાખેલી બલેનો કાર જીજે.03.પીએમ.5445 સહિત કુલ રૂ. ૭.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, વ્યવસાયે ડ્રાઇવિંગ કરતો આરોપી ચાર દિવસ પહેલાં સેલ્ફ-ડ્રાઇવ માટે કાર ભાડે લઇને રાજસ્થાન ગયો હતો અને સાંચોર નજીકથી મનોજ બિસ્નોઇ નામના શખ્સ પાસેથી આ જથ્થો લાવ્યો હતો. આરોપી મહાવીરસિંહ અગાઉ વર્ષ ૨૦૨૩માં રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં ઉપરાંત મારામારી અને અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
જામીન પર મુક્ત થયા બાદ તે ડ્રગ્સ એડિક્ટ બની ગયો હતો અને આ જથ્થો પોતે જ વાપરવા માટે લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે, પોલીસ આ જથ્થો માત્ર અંગત વપરાશ માટે હતો કે તે અન્ય કોઇને સપ્લાય કરવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
આ અગાઉના જ દિવસે એસઓજી દ્વારા કાલાવડ રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટના ખૂણા પાસેથી તોસીફ આરીફભાઇ તુરીયા નામના શખ્સને ૫૪.૭૩૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. ૧.૬૪ લાખ સાથે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો તોસીફ પણ અગાઉ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરી અને અન્ય ગુનાઓમાં પકડાઇ ચૂક્યો છે. પોતે ડ્રગ્સનો બંધાણી હોવાથી વચેટિયા મારફતે રાજસ્થાનથી આ જથ્થો લાવ્યો હોવાનું તેણે સ્વીકાર્યું હતું.
આમ, રાજકોટ એસઓજી દ્વારા બે દિવસમાં બે અલગ-અલગ દરોડા પાડીને કુલ ૭૯.૬૭ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે. બંને આરોપીઓ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું અને જામીન પર છૂટ્યા બાદ ડ્રગ્સના રવાડે ચડીને રાજસ્થાનથી જથ્થો લાવ્યા હોવાનું બહાર આવતાં પોલીસે આ આખા નેટવર્ક અને તેના મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવા માટે વધુ તપાસ ઝડપી બનાવી છે.


