બુધવાર, જૂન 24, 2026

ઈ-પેપર

બુધવાર, જૂન 24, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ મનપાના જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની આશંકા

રાજકોટ મનપાના જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની આશંકા

રાજકોટ મનપાના જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની આશંકા

ડિમોલેશન કામગીરી દરમિયાન ખાણી-પીણીના ₹27.20 લાખના બિલે ઉઠાવ્યા સવાલો; 21 હજાર કપ ચા, 4 હજાર લીંબુ શરબતની બોટલ અને મોંઘી મીઠાઈ-નાસ્તાના ખર્ચે ચર્ચા ગરમાઈ

રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનને લઈને હવે નવો વિવાદ સામે આવ્યો છે. ડિમોલેશન કામગીરી દરમિયાન ખાણી-પીણીના ખર્ચના નામે કુલ રૂપિયા 27 લાખ 20 હજારનું બિલ મૂકવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવતાં મનપાના વહીવટ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પૂર્વ પદાધિકારીઓની ટીમ દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં અનેક એવી વિગતો છે, જેને લઈને કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મામલો ગંભીર બનતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ આ બિલની દરખાસ્ત હાલ પેન્ડિંગ રાખી છે.

મળતી માહિતી મુજબ, એક તરફ જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી, તો બીજી તરફ અધિકારીઓ અને સંકળાયેલા લોકો માટે ખાણી-પીણીના ખર્ચના નામે મોટાપાયે બિલો બનાવવામાં આવ્યા હતા. તેમાં 231 રૂપિયાની એક નંગ કાજુકતરીનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. ઉપરાંત, કાજુકતરી, સમોસા, ખજૂર રોલ અને ખમણની 150 નંગ પ્લેટ માટે કુલ રૂપિયા 34,650નું બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ આંકડાઓ સામે આવતા સામાન્ય નાગરિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે કે ડિમોલેશન જેવી કામગીરીમાં આટલા વૈભવી નાસ્તા-મીઠાઈના બિલો કેવી રીતે ઉભા થયા?

મામલાની વધુ ચોંકાવનારી વાત એ છે કે આરાધના ટી સ્ટોલના નામે ચા, કોફી અને બિસ્કીટ માટે કુલ રૂપિયા 6,30,946નું બિલ રજૂ થયું છે. દાવા મુજબ, આ ખર્ચમાં 21 હજાર કપ ચા અને 4 હજાર બોટલ લીંબુ શરબતનો સમાવેશ થાય છે. બીજી તરફ, પ્રેમવતી રેસ્ટોરન્ટનું જમવાનું બિલ રૂપિયા 20 લાખ 68 હજાર સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. આ આંકડાઓને લઈને મનપાના ખર્ચ વ્યવસ્થાપન અને બિલ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ આ મામલે શંકા વ્યક્ત કરતાં બિલની દરખાસ્તને પેન્ડિંગ રાખી છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે બિલની દરેક વિગતોની તપાસ કર્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. મનપાની અંદરખાને પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે ડિમોલેશન કામગીરી દરમિયાન વાસ્તવમાં કેટલો ખર્ચ થયો, કોણે મંજૂરી આપી અને બિલોમાં દર્શાવાયેલા આંકડાઓ કેટલા સાચા છે તે મુદ્દે તપાસની માંગ ઉઠી રહી છે.

જંગલેશ્વર ડિમોલેશન પછી હવે ફૂડ બિલના આ વિવાદે રાજકોટ મહાનગરપાલિકાને ફરી એકવાર કટઘરામાં ઊભી કરી છે. શહેરમાં ચર્ચા છે કે જો ડિમોલેશન જેવી કામગીરીમાં ખાણી-પીણીના નામે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોય, તો તેની પારદર્શક તપાસ જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે મનપા આ મામલે આંતરિક તપાસ કરે છે કે પછી વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે કોઈ અલગ સમિતિ અથવા એજન્સી આગળ આવે છે.

સંબંધિત સમાચાર

Press Note Date. 19-6-2026

તાજા સમાચાર