રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય “સનાતન સેતુ હનુમંત કથા” અને દિવ્ય દરબાર કાર્યક્રમ માટે બાબા બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ભવ્ય આગમન થયું છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 5, 6 અને 7 જૂન દરમિયાન યોજાનારી હનુમંત કથાને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાંથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટ પહોંચ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન સમગ્ર ગુજરાતની જનતાને હનુમાનજીના આશીર્વાદ મેળવવા અને હનુમંત કથાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ સમાજમાં સંસ્કાર, એકતા અને સનાતન મૂલ્યોને મજબૂત બનાવવાનો એક પ્રયાસ છે.
પોતાના સંબોધનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, “માતા સીતાથી પણ વધુ અમારી પરીક્ષાઓ લેવામાં આવે છે.” તેમણે જણાવ્યું કે ધર્મના માર્ગે ચાલનારા લોકો સામે વારંવાર પ્રશ્નો અને પડકારો ઊભા કરવામાં આવે છે, છતાં સત્ય અને સનાતનના માર્ગ પર અડગ રહેવું જરૂરી છે. આ નિવેદનને લઈને ઉપસ્થિત ભક્તોમાં ખાસ ચર્ચા જોવા મળી હતી.
સાથે જ પોતાના વિરોધીઓને આડકતરી રીતે જવાબ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, “જે લોકો મારી ઉપર ટિપ્પણીઓ કરે છે, તેઓએ તેમની ઉપર પણ ટિપ્પણી કરવી જોઈએ જે દેશને ગઝવા-એ-હિંદ બનાવવાના સપના જોઈ રહ્યા છે.” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમ સ્થળે હાજર ભક્તોએ જય શ્રી રામ અને બાગેશ્વર ધામના નારા લગાવ્યા હતા.
રાજકોટમાં યોજાનારી આ હનુમંત કથા અને દિવ્ય દરબાર માટે વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર હજારો ભક્તો કથાનો લાભ લઈ શકે તે માટે વિશાળ બેઠક વ્યવસ્થા, એલઇડી સ્ક્રીન, પાર્કિંગ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની ખાસ તૈયારી કરવામાં આવી છે.
આ કાર્યક્રમને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સનાતન સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના ઉમટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


