મોરબી જિલ્લાના હળવદ શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરની ગટરનું ગંદુ પાણી સીધું જ કેનાલમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો બાદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, હળવદ શહેરમાંથી નીકળતું ગટરનું પ્રદૂષિત પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું હતું. આ મુદ્દે કલેક્ટરે સ્થળ પર હાજર નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછપરછ કરતા તેઓએ આ પાણી ક્યાં જાય છે તેની જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. ચીફ ઓફિસરના આ જવાબથી સ્થાનિક લોકોમાં વધુ રોષ ફેલાયો હતો અને નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા.
કેનાલમાં ગંદુ પાણી છોડાયા બાદ તેને નજીકના તળાવ તરફ ડાયવર્ટ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જેના કારણે તળાવના પાણીના પ્રદૂષિત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં તળાવનું પાણી સંપૂર્ણપણે પ્રદૂષિત બની શકે છે અને રોગચાળાનો ખતરો પણ વધી શકે છે.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સંબંધિત અધિકારીઓને કેનાલની સફાઈ સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરી તેનો અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. સાથે જ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.
આ ઘટનાને લઈને હળવદના શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હાલ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો તંત્ર પાસેથી જવાબદારી નિર્ધારિત કરી કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.


