રાજકોટના ઉદ્યોગ જગતમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા ઔદ્યોગિક વિસ્તાર મેટોડા GIDCમાં આજે ભીષણ આગ લાગી હતી. ગેટ નંબર 1 નજીક આવેલી EPP કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, કંપનીના ગોડાઉનમાં સંગ્રહિત રબર વેસ્ટમાં આગ લાગી હતી. રબર અત્યંત જ્વલનશીલ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે ઊઠેલા કાળા ધુમાડાના ગોટેગોટા લગભગ એક કિલોમીટર દૂરથી પણ નજરે પડતા હતા, જેના કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ રાજકોટ અને મેટોડા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીના જોરદાર મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાકો સુધી ચાલેલી મહેનત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે એક મોટી રાહતની વાત છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે જેથી આગ ફરીથી ભભૂકી ન ઊઠે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા વધતી ગરમીના કારણે રબરના જથ્થામાં આગ લાગી હોઈ શકે છે. પોલીસે અને સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


