બુધવાર, એપ્રિલ 1, 2026

ઈ-પેપર

બુધવાર, એપ્રિલ 1, 2026
Download App
google-play

ઈ-પેપર

HomeગુજરાતBreaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર, 26 એપ્રિલના...

Breaking News : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર, 26 એપ્રિલના રોજ યોજાશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં કાઉન્ટડાઉન શરૂ થયું છે. મતદાન માટે 26 એપ્રિલ, 2026, રવિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

ચૂંટણીના કાર્યક્રમ મુજબ, ચૂંટણીનું જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ થશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલે કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રહેશે. મતદાન 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જો જરૂરી બને તો 27 એપ્રિલે ફરી મતદાન થશે. મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલે પૂર્ણ થશે.

આ ચૂંટણીમાં કુલ 393 સ્થાનિક સંસ્થાઓ માટે મતદાન યોજાશે. તેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 263 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. જોકે, ગાંધીનગર અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ યોજાશે નહીં. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ઓક્ટોબર 2026માં યોજાશે, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હાલ મોકૂફ રાખવામાં આવી છે. OBC અનામત માટે નવા નિયમો લાગુ કર્યા બાદ અને નવી મહાનગરપાલિકાઓની રચના પછી યોજાતી આ પ્રથમ મોટી ચૂંટણી હોવાથી તેને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

મતદારોની વાત કરીએ તો, નવી મતદાર યાદી અનુસાર રાજ્યમાં કુલ 4,18,91,000 મતદારો નોંધાયેલા છે. તેમાં 2,16,70,000 પુરુષ, 2,02,72,000 સ્ત્રી અને 965 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે કુલ 7,241 મતદાર મંડળો અને 9,992 બેઠકો નક્કી કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં એક વોર્ડમાં ચાર બેઠકો રહેશે. મતદાન EVM મશીન દ્વારા કરવામાં આવશે, જેમાં શહેરી વિસ્તારોમાં મલ્ટી-ચોઇસ EVM અને તાલુકા-જિલ્લા પંચાયતમાં સિંગલ-ચોઇસ EVMનો ઉપયોગ થશે.

મતદાન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકે 1,200 મતદારોની મર્યાદા રાખવામાં આવશે. અંદાજે 11,000 મતદાન મથકોને સંવેદનશીલ અને 3,300 જેટલાને અતિ સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. ચૂંટણીને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 996 રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.

ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે. કેટલાક પક્ષોએ ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે, જ્યારે કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર પણ કરી દીધા છે. હવે મતદારો કોને પસંદ કરે છે તે 28 એપ્રિલે મતગણતરીના દિવસે સ્પષ્ટ થશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર