રાજ્ય સરકારને ત્રણ નામ મળ્યા: ટુંક સમયમાં નિર્ણય
(આઝાદ સંદેશ), રાજકોટ : ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચિફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી છે ત્યારે હવે આ મહિનાના અંત સુધીમાં રાજકોટને કાયમી ચિફ ફાયર ઓફિસર મળી જવા સંભવ છે. આ માટે રાજ્ય સરકારને ત્રણ નામ મળ્યા છે. અને હવે ટુંક સમયમાં આ બાબતે નિર્ણય લેવાશે.તેમ જાણવા મળે છે.
રાજકોટમાં ગયા વર્ષે 25 મેના રોજ ટીઆરપી અગ્નિકાંડ બન્યા બાદ ચિફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડે. ચિફ ફાયર ઓફિસર બાબુભાઇ ઠેબાની ધરપકડ કરવામાં આવી હતી. ચિફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે નિમણુંક કરેલા ભુજના અનીલ મારૂ ત્રણ લાખના લાંચ કેસમાં ઝડપાયા પછી ચિફ ફાયર ઓફિસરની કામગીરી ઇન્ચાર્જથી ચલાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ લાંબા સમયથી રાજ્ય સરકાર પાસે કાયમી ચિફ ફાયર ઓફિસરની નિમણુંક કરવાની માગણી કરી હતી. તે માગણીનો આખરે સ્વીકાર થયો હોય તેમ જૂન મહિનાના અંત સુધીમાં જ રાજકોટને કાયમી ચિફ ફાયર ઓફિસર મળી જવાની સંભાવના છે. રાજ્ય સરકાર પાસે અલગ અલગ ત્રણ નામોની દરખાસ્ત આવી છે. અને હવે આ મુદ્દે ટુંક સમયમાં જ નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં અમીત દવે ઇન્ચાર્જ ચિફ ફાયર ઓફિસર તરીકે કામગીરી અને ફરજ બજાવી રહ્યા છે. તેઓએ પણ લાંબા સમય પહેલા રાજીનામું આપી દીધું છે. પણ, રાજકોટમાં જો તેઓનું રાજીનામું મંજૂર કરી દેવાય તો ફાયર એન.ઓે.સી. સહિતની બાબતોમાં ફરીથી મહાનગરપાલિકાને એંકડો ઘૂંટવો પડે તેમ હોય દવેને સમજાવીને હાલમાં તેઓનું રાજીનામું પેન્ડિંગ રખાયું છે. હવે રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની શરૂઆતમાં જ આ મહિનાના અંત સુધીમાં કાયમી ચિફ ફાયર ઓફિસરની નિમણુંક કરવામાં આવે ત્યારબાદ અમીત દવેનું રાજીનામું કમિશનર તુષાર સુમેરા દ્વારા મંજૂર કરવામાં આવે તેવી સંભાવના છે.