મહિન્દ્રા ટોચના મોડલ Mahindra XEV 9e અને BE 6 ના લોન્ચ સાથે વૈશ્વિક બજાર પર નજર રાખી રહી છે. કંપની પહેલાથી જ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં Mahindra XUV700નું વેચાણ કરે છે. હવે કંપની ચીનની BYD અને એલોન મસ્કની ટેસ્લા સાથે સ્પર્ધા કરવા માટે જુદા જુદા દેશોમાં બિઝનેસનું વિસ્તરણ કરશે.
ભારતની અગ્રણી SUV ઉત્પાદક મહિન્દ્રાએ તાજેતરમાં Mahindra XEV 9e અને BE 6 ના ટોપ મોડલ લોન્ચ કર્યા છે. Mahindra XEV 9eની એક્સ-શોરૂમ કિંમત રૂ. 21.90-30.50 લાખ છે અને BE 6ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 18.90-26.90 લાખ છે. ભારતમાં મહિન્દ્રાની સ્થિતિ ઘણી મજબૂત છે અને હવે કંપનીની નજર વૈશ્વિક બજાર પર છે. જો મહિન્દ્રા ઈન્ટરનેશનલ માર્કેટમાં ઈલેક્ટ્રિક કાર લાવશે તો ઈલોન મસ્કની ટેસ્લા અને ચીનની BYD જેવી ઈવી કંપનીઓ માટે પડકાર વધશે. મહિન્દ્રાએ EV માટે રૂ. 16,000 કરોડ ખર્ચવાની પણ યોજના બનાવી છે.
મહિન્દ્રા SUV આ દેશોમાં લોન્ચ કરવામાં આવશે
મહિન્દ્રા દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, મોરોક્કો અને ચિલી જેવા દેશોમાં પહેલેથી જ મજબૂત હાજરી ધરાવે છે. કંપનીનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક પણ અહીં સારું છે. મહિન્દ્રાએ કેટલાક બજારોમાં સ્કોર્પિયો પિક-અપનું વેચાણ શરૂ કર્યું છે. એજન્સી અનુસાર, કંપનીને લાગે છે કે હવે આ બજારો XUV700, Scorpio N અને XUV 3XO જેવા મોડલના લોન્ચ માટે તૈયાર છે.
મહિન્દ્રા દર મહિને XEV 9e અને BE 6 ના 5000 યુનિટ વેચવાની યોજના ધરાવે છે. કંપનીએ ચકન પ્લાન્ટમાં EV ઉત્પાદન અને બેટરી એસેમ્બલી સુવિધા શરૂ કરી છે. મહિન્દ્રા આ પ્લાન્ટમાં 90,000 યુનિટ ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરશે.આગળ જતાં, કંપની તેની ઉત્પાદન ક્ષમતા વધારીને વાર્ષિક 1.2 લાખ યુનિટ કરશે. 2022-27 માટે, મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક કાર પર રૂ. 16,000 કરોડ ખર્ચવાની યોજના બનાવી છે.