વનિતા રાઠોડ (ઉ.વ.21) ત્રણ દિવસથી ગૂમ થઇ ગઇ હોય જે અંગે જસદણ પોલીસમાં પરિવારજનો દ્વારા લેખીત ફરિયાદ કરવામાં આવી
(આઝાદ સંદેશ),રાજકોટ: જસદણના શિવરાજપુર ગામે દલાલો દ્વારા પુખ્ત વયની દીકરીઓને રૂપિયાની લાલચે વેચી નાખવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની નિશાદભાઇ ભીમજીભાઇ રાઠોડે ગામના જ વર્ષાબેન રાજુભાઇ પરમાર, રાજુ હીરાભાઇ પરમાર, ગોવિંદ જેઠાભાઇ પરમાર અને વાલજી દેહાભાઇ પરમાર સામે જસદણ પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ આપી છે જેમાં તેણે જણાવ્યું છે કે, દલીતવાસમાં રહેતી ગરીબ મા-બાપની દીકરીઓને ભગાડી જવાના અવારનવાર બનાવો બની રહ્યા છે.
દલાલો દીકરા પક્ષ પાસેથી કોર્ટમાં લગ્ન કરી આપવાની શરતે લાખો રૂપિયા લઇ ગરીબ ઘરની દીકરીઓને ભગાડવાનો વેપલો કરે છે મને બીક છે કે મારી બહેન વનીતાબેન ભીમજીભાઇ રાઠોડ (ઉ.21) સાથે ઘણા લોકો ખોટુ તો નહીં કરતા હોય ને? જેની મને શંકા છે. મારી બહેન ગત તા.18-10ના સાંજે ગુમ થયેલ છે અને દલિતવાસમાં રહેતા ઉપરોક્ત લોકો ભગાડી ગયા હોય તેવી શંકા છે મારી બહેન આ લોકોના સંપર્કમાં હતી તે ગુમ થયા બાદ ઉપરોક્ત વ્યક્તિઓ ઘર બહાર નીકળતા નથી. બનાવના બીજા દિવસે વર્ષાબેન અને રાજુભાઇ બંન્ને મજુરીના બહાને રાજકોટ ભાગી ગયા છે જેથી મને 100 ટકા શંકા છે કે મારી બહેનને તેના કોઇ સગા-વ્હાલામાં જ વેચી નાખેલ છે. આ લોકો દીકરીઓને ભગાડીને વેચાના ધંધા જ કરે છે. પહેલા આ લોકો સગા-વ્હાલામાં દીકરીઓને છુપાવી દે છે અને પછી ન માને તો દીકરીઓને બારોબાર વેંચી મારે છે. ભોગ બનનાર બહેન બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરની છે. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારા દલિતવાસમાંથી છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયમાં પાંચ દીકરીઓને ઉપરોક્ત લોકોએ કોર્ટમાં લગ્ન કરી આપવાની શરતે લાખો રૂપિયા લઇ ગરીબ ઘરની દીકરીઓને ભગાડવાનો વેપલો કરે છે જેથી ઉપરોક્ત તમામ લોકોની પોલીસ દ્વારા આકરી પુછપરછ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. આ અંગે જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી.જાનીએ જણાવ્યું હતું કે યુવતી લાપતા થતા બે દિવસ પુર્વે ગુમશુદાની નોંધ કરવામાં આવી હતી. આજે તેના ભાઇ દ્વારા અરજી આપવામાં આવી છે પરંતુ યુવતી મળી આવ્યા બાદ સાચી હકીકત સામે આવશે. અરજીમાં થયેલ આક્ષેપો અંગે પણ તપાસ થશે.