(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના એસ્ટેટ બ્રોકર સાથે રૂપિયા 3 કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં માધવપ્રિયદાસ સ્વામીની આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી ફરાર સ્વામી વિરુધ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી હતી. આ દરમિયાન આગોતરા જામીન મેળવવા માટે ફરાર આરોપીઓ પૈકી સાધુ માધવપ્રિયદાસ સ્વામીએ જામીન અરજી કરી હતી. પોઇચા ખાતે છે એવું સ્વામિનારાયણ મંદિર બનાવવા અને ગૌશાળા બનાવવાનું કહીં ફરિયાદી અને સાહેદને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સહિત 8 શખ્સ વિરુદ્ધ રાજકોટ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી રૂ.3 કરોડથી વધુ પડાવ્યા હતા, જેમાં આરોપી તરીકે જૂનાગઢ શ્રીધામ ગુરૂકૂળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણના નામ આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ સહિતના આશ્રમે રાજકોટ પોલીસે દરોડા પાડ્યા હતા પણ આરોપી સ્વામીઓ હાથ લાગ્યા નથી. આ પછી બોગસ ખેડૂત કહેવાતા ભૂપેન્દ્ર અને વિજયસિંહ ગોવામાં હોવાની બાતમી મળતા પીઆઈ કૈલાના માર્ગદર્શનમાં ઇકો સેલ ગોવા પહોંચી હતી અને બંનેને ઝડપી લીધા હતા. આ દરમિયાન પોલીસના હાથ આરોપીઓ સાધુઓ સુધી પહોંચી જશે એવી પૂરી દહેશત હોવાથી માધવપ્રિયદાસ સ્વામીએ આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે રિજેક્ટ કરી નાખી છે. સ્વામી તરફે હવે હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. તપાસ દરમિયાન આ ટોળકી સામે અલગ-અલગ 8 જેટલી ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવતા આરોપીઓ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની શંકા આધારે પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. જો કે ચારેય સ્વામી વિદેશ નાસી છૂટ્યા છે કે નહિ તે અંગે ચોક્કસ માહિતી હજુ સુધી પોલીસને મળી નથી. જયારે આ ગુનામાં સુરત પોલીસે એક અને બે આરોપીને રાજકોટ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે જયારે સ્વામી સહિત 5 આરોપીઓ હજુ ફરાર છે જેને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. અને આગળની તપાસ ઈઈંઉ ક્રાઇમને સોંપવામાં આવી છે.
માધવપ્રિયદાસસ્વામીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી


