ગુરુવાર, નવેમ્બર 5, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 5, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયસુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સત્તાવાર ધરપકડ નહીં, પરંતુ અટકાયત સાથે જ ગણાશે...

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સત્તાવાર ધરપકડ નહીં, પરંતુ અટકાયત સાથે જ ગણાશે 24 કલાકની સમયમર્યાદા

ધરપકડ અને અટકાયત વચ્ચે કૃત્રિમ ભેદ પાડવો ગેરબંધારણીય : ખાસ કાયદાઓ કરતાં આરોપીના મૂળભૂત અધિકારો સર્વોપરી

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : આજના સમયમાં પોલીસ વિવિધ રીત રસમ અપનાવી આરોપીઓને કાયદેસર ધરપકડ પહેલા જ કલાકો નહીં પણ દિવસો સુધી ગેરકાયદેસર કસ્ટડીમાં રાખતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સુપ્રીમકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપીની સત્તાવાર ધરપકડ નહીં પરંતુ અટકાયત સાથે જ 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડશે. સુપ્રિમકોર્ટનો આ ચુકાદો નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોના રક્ષણ મામલે ખુબ જ અગત્યનો છે.

સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે, બંધારણીય સુરક્ષાના હેતુસર ધરપકડ અને અટકાયત બંને વ્યવહારુ રીતે એકસમાન જ છે, કારણ કે આ બન્ને પરિસ્થિતિમાં વ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકવામાં આવે છે. કોર્ટે આકરા શબ્દોમાં નોંધ્યું હતું કે, અટકાયત અને ધરપકડ વચ્ચે કોઈપણ પ્રકારનો કૃત્રિમ તફાવત ઊભો કરવાનો પ્રયાસ બંધારણીય રીતે ટકી શકે તેમ નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે દેશની કેટલીક હાઈકોર્ટની પણ ટીકા કરી હતી, જેઓ અટકાયત અને ધરપકડ વચ્ચે આવો કૃત્રિમ ભેદ પાડી રહી હતી. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે વ્યક્તિને જ્યારે પહેલીવાર કસ્ટડીમાં કે અટકાયતમાં લેવાય, ત્યારથી જ 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો નિયમ લાગુ પડે છે.

અન્ય એક મહત્વપૂર્ણ અવલોકનમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે, કેસની સુનાવણીમાં થતા વિલંબ અને જામીન મંજૂર કરવાના મામલાઓમાં વિશેષ કાયદાઓની કડક જોગવાઈઓ કરતાં આરોપીના મૂળભૂત અધિકારોને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ એટલે કે, UAPA, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એટલે કે, એનડીપીએસ એક્ટ અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે, પીએમએલએ જેવા કડક કાયદાઓ હેઠળ જામીન અંગે આવેલા વિરોધાભાસી ચુકાદાઓનો ઉલ્લેખ કરતા કોર્ટે આ સ્પષ્ટતા કરી હતી.

દેશની સર્વોચ્ચ અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, કોઈપણ વિશેષ કાયદાઓ બંધારણનું અર્થઘટન કરવા માટે માર્ગદર્શક બની શકે નહીં. તેના બદલે, આવા તમામ વિશેષ કાયદાઓનું અર્થઘટન બંધારણીય સિદ્ધાંતો અને નાગરિકોના મૂળભૂત અધિકારોને અનુરૂપ રહીને જ કરવામાં આવવું જોઈએ. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછના નામે કલાકો કે દિવસો સુધી લોકોને ગેરકાયદે અટકાયતમાં રાખી પાછળથી ધરપકડ બતાવવાની પ્રથા પર હવે લગામ લાગશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર