રાજકોટ : રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં બે યુવાન, પ્રૌઢા અને વાંકાનેરના ખખાણા ગામે આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રંગીલા પાર્ક મેઇન રોડ પર આહીર ચોકમાં રહેતા કરણ સંજયભાઇ મેઘાણી નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના સમયે સ્વાતી પાર્ક હરીઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ક્રીએટીવ એન્જિનિયર્સ કંપનીમાં કામ કરતો હતો. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબે નિષ્પ્રાણ જાહેર કર્યો હતો. મૃતક યુવાન બે બહેનનો એકનો એક ભાઇ હતો.
બીજા બનાવમાં રૈયા ગામમાં રહેતા કપીલ પરસોત્તમભાઇ સોઢા (ઉ.વ.37) રાત્રીના પોતાના ઘરે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા યુવકનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવાન એક ભાઇ ત્રણ બહેનનો એકનો ભાઇ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.
ત્રીજા બનાવમાં પુનિતનગર પાસે આવેલ વૃંદાવન શેરી નં.15માં રહેતા બીનાબા કનકસિંહ ઝાલા (ઉ.વ.52) પોતાના ઘરે વહેલી સવારે ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તબીબે પ્રૌઢાનું હાર્ટએટેકથી મોત નીપજ્યાનું જાહેર કરતા પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
ચોથા બનાવમાં વાંકાનેરના ખખાણા ગામે રહેતા જસમતભાઇ રૂડાભાઇ ઝાલા નામના 49 વર્ષના આધેડ મધરાત્રે બેભાન હાલતમાં ઢળી પડતા વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે આધેડનુ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક આધેડને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


