મૂળ ધોરાજીની વતની અને હાલ રાજકોટમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી જ્યારે માત્ર ૮ વર્ષની અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી’તી ત્યારથી જ અડપલાં કરવાનું શરૂ કર્યું’તું : અવારનવાર એકાંતનો લાભ ઉઠાવી પોતાના ઘરે લઈ જઇ શારીરિક સંબંધ બાંધતા’તા : તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો
રાજકોટ : રાજકોટ શહેરમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતી પર તેના જ સગા માસા દ્વારા અગાઉ નાની વયથી શરૂ કરીને લાંબા સમય સુધી ડરાવી-ધમકાવીને બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. આ મામલે પીડિતા દ્વારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મૂળ ધોરાજીની વતની અને હાલ રાજકોટમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી જ્યારે માત્ર ૮ વર્ષની અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેના પાડોશમાં રહેતા સગા માસાએ તેની સાથે અડપલાં કરવાની શરૂઆત કરી હતી. માસાએ નાની બાળકીની મજબૂરી અને અજાણપણાનો લાભ ઉઠાવીને તેની સાથે અયોગ્ય ચેષ્ટાઓ કરી હતી, જેની શરૂઆત ધોરાજીમાં થઈ હતી.
નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન ગરબીમાં ફરતી વેળાએ આરોપી માસાએ ફરીથી અડપલાં કરી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવાનું શરૂ કર્યું હતું. બાળકી કે સગીરા ડરી જાય તે માટે માસા દ્વારા તેને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી, જેથી તે ડરના માર્યે પરિવારમાં કોઈને પણ સત્ય જણાવી ન શકી.
આરોપી માસા દ્વારા વાલીઓની ગેરહાજરીનો લાભ લઈને ઘરમાં એકાંતનો ફાયદો ઉઠાવીને અવારનવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવામાં આવતા હતા. જો યુવતી આ પાપકૃત્યનો વિરોધ કરતી કે સંબંધ બાંધવાનો ઇનકાર કરતી, તો આરોપી તેના પિતાને ચઢામણી કરી મારઝૂડ કરાવતો અને કુટુંબની જિંદગી બરબાદ કરવાની ધમકીઓ આપતો હતો.
સમય જતાં વર્ષ ૨૦૨૧માં પરિવાર ધોરાજીથી રાજકોટ રહેવા આવ્યો હતો અને માસાનો પરિવાર પણ સાથે જ એક જ મકાનમાં રહેવા લાગ્યો હતો. રાજકોટ આવ્યા બાદ પણ આરોપીની માનસિકતામાં કોઈ ફેર પડ્યો નહોતો અને તે તક મળતાં જ અગાઉની જેમ જ શારીરિક શોષણ કરવાનું અવિરત ચાલુ રાખતો હતો.
આ ઘાતકી ત્રાસથી કંટાળીને એક તબક્કે યુવતી ઘર છોડીને બીજા રાજ્યમાં પણ જતી રહી હતી, પરંતુ માસાના સતત ડર અને ધમકીઓના કારણે તે સમયે તેણે પોલીસ સમક્ષ સાચી હકીકત જણાવી નહોતી. પાછળથી પરિવાર દુકાનમાં સીસીટીવી કેમેરા ન નીકળેલા હોવાના કારણે અને માસાના ત્રાસથી છૂટવા માટે પ્રયત્નો કરતો હતો, અને અંતે હિંમત એકઠી કરી હતી.
અંતે આ લાંબા ગાળાના અત્યાચાર અને દૂષણથી કંટાળીને પીડિતાએ પરિવારને સમગ્ર હકીકતની જાણ કરી હતી અને રાજકોટ તાલુકા પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પોક્સો એક્ટ તેમજ આઈપીસીની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.


