ધાર્મિક પરિસરમાં રાજકીય સૂત્રોચ્ચાર કરવા અને ભ્રામક વીડિયો ફેલાવવાનો ગંભીર આરોપ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દિલ્હીના પ્રખ્યાત ગુરુદ્વારા બંગલા સાહિબમાં શનિવારે થયેલા હોબાળાના મામલે દિલ્હી પોલીસે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગુરુદ્વારા પરિસરમાં રાજકીય સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનારા વીડિયો તથા પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વીડિયો ફૂટેજની તપાસ શરૂ કરી છે.
ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના પ્રમુખ સરદાર હરમીત સિંહ કાલકા અને મહાસચિવ સરદાર જગદીપ સિંહ કાહલોંએ આરોપ લગાવ્યો છે કે, અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ રાજકીય કાર્યકરોને મોકલીને ગુરુદ્વારામાં સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. કેટલાક લોકો થેલામાં બેનરો અને પ્લેકાર્ડ છુપાવીને આવ્યા હતા અને ગુરુ ઘરને રાજકીય વિવાદમાં ઘસડવા માટે પૂર્વઆયોજિત કાવતરા હેઠળ હોબાળો કર્યો હતો. કમિટીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, નાણામંત્રી હરપાલ ચીમા અને અનંત અરોરા સહિતના પાર્ટી નેતૃત્વ પર પણ ખોટો નેરેટિવ બનાવી ગુરુદ્વારા સાહિબને બદનામ કરવાનો આરોપ મૂક્યો છે.
કમિટીના હોદ્દેદારોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પોલીસકર્મીઓ અશોકા રોડ તરફથી ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશ્યા હતા અને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કર્યા બાદ બીજા ગેટથી બહાર નીકળી ગયા હતા. પોલીસ દરબાર હોલના પગથિયાં સુધી કે લંગર હોલમાં પ્રવેશી જ નહોતી, કારણ કે ત્યાં જવા માટે માથું ઢાંકવું અને જૂતાં ઉતારવાં ફરજિયાત છે. કમિટીએ સ્પષ્ટ કર્યું કે ગુરુ ઘરની મર્યાદા સર્વોપરી છે; અહીં શ્રદ્ધાળુઓનું સ્વાગત છે, પરંતુ ધાર્મિક પરિસરમાં રાજકીય સૂત્રોચ્ચાર ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ વિરોધ પ્રદર્શન કરવું હોય તો તે ગુરુદ્વારાની બહાર કરવું જોઈએ.


