કોકરોચ જનતા પાર્ટીના બન્ને નેતાઓને જેલના ગેટ પર જ ક્રાઈમ બ્રાન્ચે સમન્સ પકડાવી દીધું, હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે પૂછપરછ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે લડત આપી રહેલા કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકા બુધવારે જ જામીન પર જેલમાંથી મુક્ત થયા છે. જોકે, તેમની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બંને નેતાઓ જેલની બહાર નીકળતા જ વધુ એક સમન્સ પકડાવી દઈ આજે પૂછપરછ માટે બોલાવ્યા છે.
બુધવારે રાત્રે આશરે 8:30 વાગ્યે તિહાર જેલમાંથી જામીન મળ્યા બાદ મુક્ત થઈ રહેલા બંને નેતાઓને જેલના ગેટ પર જ ક્રાઈમ બ્રાન્ચે સમન્સ પકડાવી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચે તેમને ગુરુવારે બપોરે 12 વાગ્યે રાજૌરી ગાર્ડન સ્થિત ઓફિસમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉ, સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે પોલીસની કસ્ટડી વધારવાની માંગને ફગાવીને તેમને જામીન આપી રાહત આપી હતી, પરંતુ બહાર આવતા જ આ નવી નોટિસથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની કાનૂની લડાઈ હજુ પૂરી થઈ નથી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને આશંકા છે કે આ પ્રદર્શન પાછળ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. વધુમાં, બંને નેતાઓએ અગાઉ આપેલા નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હોવાથી હવે ક્રાઈમ બ્રાન્ચ આ મામલાની ઝીણવટભરી તપાસ કરશે.
ગત તા.13 અને 14 ઓક્ટોબરે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન દ્વારા સૌરભ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરવામાં આવી હતી. તેમના પર આરોપ છે કે તેઓ મંજૂરી વિના જંતર-મંતરના પ્રતિબંધિત વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. પોલીસના દાવા મુજબ, આ નેતાઓએ અગાઉ ભરેલા શાંતિ બોન્ડની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે અને સરકારી આદેશોની અવગણના કરી છે. આ મામલે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં તેમની સામે બે અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી હતી.મામલાની ગંભીરતા અને રાજકીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનરે આ બંને એફઆઈઆરની તપાસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધી છે.


