અદ્રેમાન નોયડા (ઉ.વ.35)ને સોહીલ નોયડાએ સસલા-તેતરના શિકાર માટે રાખેલ છરીનો ઘા છાતીના ભાગે ઝીંકી દીધો : સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો : ભાયાવદર પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
રાજકોટ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામે મજાક-મસ્તીમાં ઉશ્કેરાઈ ગયેલા કૌટુંબિક ભત્રીજાએ છરીનો જીવલેણ ઘા ઝીંકી પોતાના જ કાકાની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવની વિગત મુજબ, પડવલા ગામે રહેતા ૫૦ વર્ષીય આધેડ ખેડૂત મુસાભાઇ કારાભાઈ નોયડા દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ગત તારીખ ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના સુમારે તેઓ વાડીએથી પરત ફરીને ગામના રોડ પર આવેલા સબીલ (પાણીના પરબ) પાસે બેઠા હતા, જ્યાં તેમના કૌટુંબિક કાકા હાજુભાઈ પણ હાજર હતા. આ સબીલની પાછળની બાજુએ મુસાભાઇનો નાનો ભાઈ અદ્રેમાન (ઉંમર વર્ષ ૩૫), જે અપરિણીત હતો અને ભાઈ ફીરોજ સાથે રહેતો હતો, તે અને તેમનો કૌટુંબિક ભત્રીજો સોહીલ અયુબભાઈ નોયડા બંને સાથે બેઠા હતા.
સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં અદ્રેમાન અચાનક દોડીને મુસાભાઇ પાસે આવ્યો હતો અને સોહીલે તેના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. તે વખતે સોહીલ ત્યાંથી થોડે દૂર ઉભો હતો અને અદ્રેમાનની છાતીના ડાબા ભાગમાંથી ભારે લોહી નીકળતું હતું. ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈને મુસાભાઇ તેને બાથમાં લેવા ગયા ત્યાં જ અદ્રેમાન ઢળી પડ્યો હતો અને ભાઈની આવી સ્થિતિ જોઈ મુસાભાઇને પણ ચક્કર આવી જતાં તેઓ પડી ગયા હતા.
આ દરમિયાન ત્યાં દેકારો બોલી જતાં મુસાભાઇનો પુત્ર સમીર પણ દોડી આવ્યો હતો, જેને જોઈને આરોપી સોહીલ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. તત્કાલિન ધોરણે સમીર, ફીરોજ અને કૌટુંબિક કાકા ચીનાભાઇ સહિતના ગ્રામજનો લોહીલુહાણ અદ્રેમાનને યુનુસભાઇની ગાડીમાં સારવાર અર્થે ભાયાવદર સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક તપાસ બાદ તબીબોએ તેને વધુ સારવાર માટે ઉપલેટા ખસેડવા સલાહ આપી હતી. જેથી તેને તાકીદે ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને અદ્રેમાનને મૃત જાહેર કર્યો હતો.
ઘટના પાછળના કારણ અંગે મૃતકના ભાઈએ જણાવ્યું કે, અદ્રેમાન અને સોહીલ વચ્ચે અગાઉથી જ સાથે બેસવાનો અને અંદરોઅંદર રમુજ તેમજ મજાક-મસ્તી કરવાનો સંબંધ હતો. આરોપી સોહીલ શિકારી વૃત્તિ ધરાવતો હતો અને અવારનવાર સસલાં તથા તેતરનો શિકાર કરવાની ટેવ હોવાથી પોતાની પાસે કાયમ છરી રાખતો હતો. બનાવના દિવસે બંને સબીલ પાછળ બેઠા હતા ત્યારે અદ્રેમાને સોહીલ સાથે કોઈ મજાક કરી હતી, જે વાત સોહીલને પસંદ ન આવતા તે એકદમ આવેશમાં આવી ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢી અદ્રેમાનની છાતીના ડાબા ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો.
મજાકનો કરૂણ અંજામ હત્યામાં પરિણમતા ભાયાવદર પોલીસે આધેડની ફરિયાદના આધારે આરોપી સોહીલ અયુબ નોયડા સામે ગુનો નોંધી ઇન્ચાર્જ પીઆઈ એમ.એમ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


