સોમવાર, નવેમ્બર 2, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 2, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયદિલ્હીમાં BS-4 વાહનો પર પ્રતિબંધ અમલી બનતા ભીષણ ટ્રાફિક જામ, 68 લાખનો...

દિલ્હીમાં BS-4 વાહનો પર પ્રતિબંધ અમલી બનતા ભીષણ ટ્રાફિક જામ, 68 લાખનો દંડ વસૂલાયો

રાજધાનીમાં કથળી રહેલી હવાની ગુણવત્તા અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકારનું આકરું પગલું

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં દિવાળી પહેલા જ કથળી રહેલી હવાની ગુણવત્તા અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નોન-BS-6 એટલે કે BS-4 અને તેનાથી જૂના વાહનોના પ્રવેશ પર 1 નવેમ્બરથી કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમના અમલના બીજા દિવસે પણ ડીએનડી સહિતના મુખ્ય માર્ગો પર દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવતા દિલ્હી-એનસીઆરના બોર્ડર વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

દિલ્હીમાં જુના વાહનો માટે પ્રતિબંધ લાગુ થવાના પહેલા દિવસે દિલ્હી બોર્ડર પરથી હજારો વાહનોને પરત મોકલવામાં આવ્યા હતા. બીજા દિવસે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા BS-4 વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી હોવાથી ડીએનડી માર્ગ પર નોઇડા તરફ જતી લેનમાં ભીષણ જામ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, નોઇડા સેક્ટર-14A પાસે આવેલી ચિલ્લા બોર્ડર પર પણ પોલીસ ચેકિંગના કારણે જામ જેવી સ્થિતિ ઊભી થઈ છે અને BS-4 વાહનોને દિલ્હીમાં પ્રવેશ આપ્યા વિના જ ત્યાંથી પરત મોકલવામાં આવી રહ્યા છે.

નોઇડાથી દિલ્હી તરફની લેનમાં શરૂઆતમાં ટ્રાફિક હળવો હતો, પરંતુ યમુના પુલથી લઈને સરાય કાલે ખાં અને આઉટર રિંગ રોડ તેમજ તેની નીચેના સર્વિસ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક અને ચેકિંગને સુચારુ બનાવવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી-ફરીદાબાદ બોર્ડર અને ગુરુગ્રામ-દિલ્હી બોર્ડર પર પણ સઘન તપાસને કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી અને રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

દિલ્હીમાં ‘વિન્ટર એક્શન પ્લાન’ લાગુ થતાં જ પોલીસ અને પ્રશાસન સક્રિય મોડમાં આવી ગયા છે. આ યોજનાના પહેલા જ દિવસે પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા અલગ-અલગ જગ્યાએ ચેકિંગ દરમિયાન નિયમ ભંગ બદલ કુલ 68.4 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવાના ભાગરૂપે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે તેમ દિલ્હી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર