નવી દિલ્હી : બાળકો જ્યારે 8 વર્ષનું હોય ત્યારે તેનું ધ્યાન ઘણું રાખવું પડે છે. જો તે ભૂલથી બે-ત્રણ દિવસ ઉપરા-ઉપરી મીઠાઈઓ, ચોકલેટ કે તીખું-તળેલું ખાઈ લે તો તેનું પેટ ખરાબ થઈ જાય છે. રોડ-સાઇડ ફૂડ તો તેને બિલકુલ ખવડાવવા નહીં. તે ખાય એટલે તરત જ બિમાર પડી જતા હોય છે અમે પણ તેની સાથે જ એ વસ્તુ ખાઈએ છીએ, પણ અમને કંઈ થતું નથી. શરૂઆતનાં પાંચ વર્ષ તો મેં તેને ઘરનો જ ખોરાક આપ્યો છે, પરંતુ તે બહારનું ખાય જ નહીં એવું શક્ય નથી. મોટા થાય એમ તેને બહાર ખાવાની વધુ જરૂર પડશે. ત્યારે શું? આજકાલ ઘણા માતા-પિતાની આ તકલીફ હોય છે. ખોરાક બાબતે જાગૃતિ આવી છે એટલે પેરન્ટ્સ બહારનો ખોરાક બાળકોને આપવાનું સ્વિકારતા નથી અને એક ઉંમર સુધી એ ખૂબ સારો અને સાચો નિર્ણય સાબિત થાય છે. જોકે આજનો સમય એવો છે કે તમે તેને બહારના ખોરાકથી કે પ્રોસેસ્ડ ફૂડથી કે ઊતરતી કક્ષાના ભેળસેળિયા ફૂડથી બચાવી શકશો નહીં. ક્યારેક તો એ સમય આવશે જ કે બાળકના પેટમાં એ ફૂડ જશે. હવે તેને આ બધું ખાવાની આદત નથી એટલે તેનું પેટ રીએક્ટ કરશે જ. તેના ગટની લાઇનિંગ પર અસર થશે. તે ચાઇનીઝ ખાશે તો તેને એલર્જિક રીએક્શન આવી શકે છે. તે રોડસાઇડ પાણીપૂરી ખાશે તો તેને ડાયેરિયા થઈ શકે છે. એ ચાટ ખાશે તો ઇન્ફેક્શન થઈ શકે છે. તે વધુ આઇસક્રીમ ખાશે તો તેને શરદી થઈ શકે છે. તે આર્ટિફિશ્યલ કલરવાળો ખોરાક લેશે તો તેને એલર્જી થઈ શકે છે. આ બધું જાણવા છતાં સેફ રહીને પણ તમારે તમારા બાળકને બહારનું ભોજન ખાતાં શીખવવું પડશે. આમ પહેલાની કહેવત પ્રમાણે જીજાબાઈ શિવાજીને નાનપણથી થોડું-થોડું ઝેર ચટાડતાં હતાં. જેથી ભવિષ્યમાં જો કોઈ વ્યક્તિ શિવાજીને ઝેર આપે તો એ ઝેર તેમને અસર જ ન કરી શકે. આજના સમયમાં બહારનો આ ખોરાક એ ઝેર છે જે પેરન્ટ્સે તેમનાં બાળકોને થોડું-થોડું આપતા રહેવું પડશે, કારણ કે બાળક ભવિષ્યમાં બહાર ભણવા જશે તો તેણે સર્વાઇવ કરવા માટે પણ બહારનું ખાવું તો પડશે જ. મોકળાશ અને શિસ્ત વચ્ચે એક પાતળી ભેદરેખા છે. મહિને બે વાર બાળકને બહાર લઈ જઈ ખવડાવીને જ તેને સ્ટ્રોન્ગ બનાવી શકાય. બાકી એ માટે કોઈ દવા નથી હોતી.