(આઝાદ સંદેશ) : માનવામાં આવે છે કે જો દિવસમાં 50-100 વાળ તૂટે તો કોઇ ચિંતાની વાત નથી કારણકે તે બિલકુલ સામાન્ય છે. પરંતુ વરસાદી સીઝનના કારણે વાળ તૂટવાની સંખ્યા ઘણી વધી ગઇ છે. જો તમારે અતિશય વાળ ખરી રહ્યા છે તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઇએ. ઘણી વખત વાળની કાળજી લેવા માટે તમે ઘરેલું નુસખા અજમાવી શકો છો. આજે અમે તમને છાશનો એક ઉપાય જણાવીશું જેની મદદથી તમે તમારા વાળને લગતી દરેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જેનાથી વાળ ધોવા પર તમારા વાળ સિલ્કી અને ચમકદાર થઇ જાય છે. છાશમાં લેક્ટિક એસિડ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામીન એ, ડી અને બી-12, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં રહેલા છે. જેને વાળમાં લગાવવાથી માથામાં આવતી ખંજવાળ દૂર થાય છે. વાળ મજબૂત બને છે નવા વાળના વિકાસમાં વધારો થાય છે. વાળમાં ચમક આવવાની સાથે ભરાવદાર થાય છે. ખાટી છાશમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળ પર 15 મિનિટ સુધી મસાજ કરો. તે બાદ નવશેકા પાણીથી વાળને ધોઇ લો. તેનાથી વાળમાંથી ખોડો અને ખંજવાળની સમસ્યા દૂર થાય છે. ખોડા માટે તમે વિનેગર સાથે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
એક મિક્સરમાં 7-8 લીમડાના પાન લઇને તેને પીસી લો. તે પછી તેમા જરૂરિયાત મુજબ છાશ મિક્સ કરીને હેર પેક બનાવી લો આ હેર પેકને વાળના મૂળ સુધી લગાવો 30 મિનિટ સુધી લગાવી રાખો અને શેમ્પુથી વાળ ધોઇ લો. અઠવાડિયામાં 2-3 વખત આ ઉપાય કરવાથી વાળ કાળા થવાની સાથે ભરાવદાર પણ થશે.