પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદ નજીકનાં ખોસ્ત અને પત્તિકા પ્રાંતોમાં હવાઇ હુમલા કર્યો હતો, જેનો તાલિબાને જડબાતોડ જવાબ આપ્યો છે. તાલિબાન દળોએ ડ્યુરન્ડ લાઈન નજીક પાકિસ્તાનની સૈન્ય ચોકીઓને નિશાન બનાવીને નષ્ટ કરી દીધી છે. અફ્ઘાન મીડિયાએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને આ હુમલાની પુષ્ટી કરી છે.
અમે કોઈપણ સંજોગોમાં અમારુ રક્ષણ કરીશું : અફ્ઘાન સંરક્ષણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં તાલિબાન દળોએ ભારે હથિયારોથી પાકિસ્તાની સૈન્ય કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ દળો કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે અને અમે કોઈપણ સંજોગોમાં અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરીશું.
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે 7 વાગ્યે ડ્યુરન્ડ લાઇન પર તાલિબાન અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે અફઘાનિસ્તાનના દંડપાટન વિસ્તારના લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા હતા.