બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભલગામ ટોલ પ્લાઝા ખાતે હાઈવે ઓથોરિટી સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો. રોડની ખરાબ હાલત, મોટા ખાડા અને બંધ સ્ટ્રીટ લાઈટની અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે “રોડ નહીં તો ટોલ નહીં”ના નારા સાથે ધરણા યોજ્યા હતા. આ ધરણામાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. સંકલન સમિતિની બેઠકોમાં મુદ્દાઓ ઉઠવા છતાં કામ ન થતા આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી હતી, જેને લઈને વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો હતો.


