હળવદના મયુરનગર ખાતે રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ લોકગાયક દેવાયત ખવડ અને સાગરદાન ગઢવીએ પોતાની રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મંદિર પટાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને લોકડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. દેવાયત ખવડે જણાવ્યું હતું કે મયુરનગર આઈ રામબાઈની પવિત્ર જન્મભૂમિ હોવાથી આ સ્થળનું વિશેષ ધાર્મિક મહત્વ છે. કાર્યક્રમ દરમિયાન ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. સંતો-મહંતો, ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનોની હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. યુવાનો સુધી સંસ્કાર અને કર્તવ્યનો સંદેશ પહોંચાડવાની પણ અપીલ કરવામાં આવી હતી. મયુરનગર ગામ અને રામામંડળની જહેમતે સમગ્ર આયોજન સફળ બન્યું હતું.
રાજકોટમાં જલારામ ચોક પાસે ઘટાદાર વૃક્ષ ધરાશાય
રાજકોટ શહેરના જલારામ ચોક નજીક અચાનક એક વિશાળ ઘટાદાર વૃક્ષ ધરાશાય થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ પડતા રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના બાલાજી હોલ પાસે ગંભીર અકસ્માત, CCTV આવ્યા સામે
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બાલાજી હોલ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક નબીરા કારચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી પાંચથી છ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની બેફામ ગતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ભીડ એકત્ર થઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.


