બુધવાર, મે 13, 2026

ઈ-પેપર

બુધવાર, મે 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્પિટલના OPD વિભાગનો હોવાનું માનવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉંદરો ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલના OPD વિભાગ નજીક ઉંદરો સતત ફરતા હોવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને એક તરફ પોતાની બીમારીની ચિંતા હોય છે, ત્યારે બીજી તરફ હોસ્પિટલની ગંદકી અને ઉંદરોના ત્રાસથી પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ દર્દીઓ અને તેમના સગાઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં રહી ચૂકી છે. થોડા સમય પહેલા હોસ્પિટલ પરિસરમાં શ્વાન ફરતા હોવાના વીડિયો વાયરલ થયા હતા, જેને લઈને પણ હોસ્પિટલ તંત્ર સામે સવાલો ઊભા થયા હતા. હવે ફરી ઉંદરોના ત્રાસનો વીડિયો સામે આવતા હોસ્પિટલની સફાઈ વ્યવસ્થા અને મેન્ટેનન્સ અંગે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા લોકો હોસ્પિટલ તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. દર્દીઓનું કહેવું છે કે જ્યાં લોકો આરોગ્ય માટે આવે છે ત્યાં જ જો સ્વચ્છતા અને સુરક્ષાની અછત જોવા મળે તો તે ચિંતાજનક બાબત છે. હાલ આ વીડિયો OPD વિભાગનો છે કે નહીં તે અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ વીડિયોએ હોસ્પિટલ તંત્રને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં મૂકી દીધું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર