અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં 7 વર્ષીય બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પરપ્રાંતિય પરિવારના બાળકને સિંહણે શિકાર બનાવ્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ જંગલી જાનવરોની વધતી અવરજવર સામે વનવિભાગ દ્વારા કડક અને અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે.
નાગરિકોએ ચોમાસા માટે હજી જોવી પડશે રાહ
ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા નાગરિકોને હજુ થોડો વધુ સમય રાહ જોવી પડશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક અઠવાડિયા સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. વરસાદની રાહ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેતા ઉકળાટમાં વધારો થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતા પણ દેખાતી નથી. બીજી તરફ ચોમાસું મધ્ય ભારત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને 15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેશે
ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. ભાવનગર, અમરેલી અને દીવ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.


