કેએલ રાહુલે કેપ્ટનશિપની ઓફર ઠુકરાવી દીધી છે. આ દાવો મીડિયા રિપોર્ટ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલને કેપ્ટનશિપ વિશે પૂછવામાં આવ્યું હતું, પરંતુ તે સંમત થયો ન હતો.
કેએલ રાહુલે ચેમ્પિયન્સ ટ્રોફીથી પરત ફરતાની સાથે જ કેપ્ટનશિપને લઇને મોટો નિર્ણય લીધો છે. રાહુલનો આ નિર્ણય આઈપીએલની કેપ્ટનશીપ સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપની ઓફર ઠુકરાવી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીએ રાહુલને કેપ્ટન્સીની ઓફર કરી હતી, જેનો તેણે ઈનકાર કરી દીધોનથી.
કેએલ રાહુલનો ઇનકાર, શું અક્ષર કેપ્ટન બનશે?
મીડિયા રિપોર્ટ અનુસાર કેએલ રાહુલે કેપ્ટનશિપની ઓફર ઠુકરાવી દીધી અને કહ્યું કે તે ટીમમાં એક ખેલાડી જેટલું યોગદાન આપવા માંગે છે. કેએલ રાહુલે કેપ્ટનશીપ કરવાનો ઈનકાર કર્યા બાદ હવે એવી અટકળો ચાલી રહી છે કે, અક્ષર પટેલ દિલ્હીની ફ્રેન્ચાઈઝીની જવાબદારી સંભાળી શકે છે. કારણ કે, કેપ્ટન્સી માટે ખરો સંઘર્ષ આ બે નામો વચ્ચેનો જ હતો.
દિલ્હીમાં જોડાતાની સાથે જ રાહુલના કેપ્ટન બનવાની અટકળો ચાલી રહી હતી
દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2025 મેગા હરાજીમાં કેએલ રાહુલને 14 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. કારણ કે રાહુલને આ પહેલા પણ આઈપીએલની કેપ્ટનશીપનો અનુભવ થઈ ચૂક્યો છે. 2020-21માં તે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો અને 2022થી 2024 સુધી તે લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહ્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે તે દિલ્હી સાથે જોડાયો, ત્યારે તેનું નામ કેપ્ટનશિપની રેસમાં મોખરે હતું.
ખેલાડી તરીકે બની શકે છે દિલ્હીનું ટ્રમ્પ કાર્ડ
પરંતુ, હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે માત્ર એક ખેલાડી તરીકે જ રમવા માંગે છે, રાહુલનો આ નિર્ણય દિલ્હી માટે પણ કામ કરી શકે છે. રાહુલ આઈપીએલમાં સૌથી સાતત્યપૂર્ણ દેખાવ કરનાર ખેલાડીઓમાંનો એક રહ્યો છે. તેણે વર્ષ 2018થી 2024 દરમિયાન રમાયેલી આઇપીએલની 7માંથી 6 સિઝનમાં 500 કે તેથી વધુ રન ફટકાર્યા છે.
જો રાહુલ કેપ્ટન ન હોય તો અક્ષર કેપ્ટન બનશે તે નક્કી છે. પરંતુ સમસ્યા એ છે કે તેને આઇપીએલમાં રાહુલની જેમ કેપ્ટનશીપનો વધુ અનુભવ નથી. એક ખેલાડી તરીકે તેણે ઘણી વખત બોલ અને બેટથી પોતાની જાતને સાબિત કરી છે. પણ કેપ્ટન તરીકે તેણે હજુ પણ પોતાની જાતને સાબિત કરવાની છે. કદાચ દિલ્હી કેપિટલ્સ તેને આવું કરવાની તક આપશે.