કાલાવડમાં વીજ કરંટથી ત્રણના મોત: ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ વાયર પડતા દુર્ઘટના
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે.
મૃતકોમાં એક પટેલ દંપતી અને એક દેવીપૂજક શ્રમિકનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, કમોસમી વરસાદને કારણે પટેલ દંપતી પોતાના ઘરે મગફળીના ભૂકાનું કામ કરી રહ્યું હતું. તે સમયે અચાનક વીજળીનો વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
દુર્ઘટના બાદ ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કાલાવડ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


