મોરબી રોડ ઉપર આવેલ કિયાન એક્સપોર્ટ નામની પેઢીના લીગલ ઓર્થોરાઈઝડ કેનીલ સરધારા (ઉ.વ.25)એ શાંતાક્રુઝમાં રહેતા પ્રેમચંદ મિત્તલ સામે ફરિયાદ નોંધાવી : ડીસીબીએ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી
રાજકોટ : રાજકોટના મોરબી રોડ પર આવેલી કીયાન એમ એક્સપોર્ટ કંપની સાથે મુંબઈના વેપારીએ વિશ્વાસઘાત કરી રૂા. ૫.૪૪ કરોડની ઠગાઈ આચર્યાની ઘટના સામે આવી છે. આરોપીએ કાપડનો જથ્થો મેળવી પેમેન્ટ ન ચૂકવી ખોટા બહાના બનાવ્યા હતા, જેના પગલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના મોરબી રોડ પર કીયાન એમ એક્સપોર્ટ લિમિટેડ કંપની આવેલી છે, જેના ડિરેક્ટર રાજેશભાઈ માલવિયા અને તેમનો પુત્ર દર્શ છે. આ કંપનીના લીગલ કામ માટે ઓથોરાઈઝ્ડ કેનીલભાઈ સરધારાએ નોંધાવેલી વિગતો મુજબ, વર્ષ ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં મુંબઈના શંકાસ્પદ વેપારી પ્રેમચંદ અશોકકુમાર મિત્તલે કંપનીના સેલ્સ હેડનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતાની કંપનીનું નામ મારુતિ એક્સપોર્ટ હોવાનું જણાવી કાપડની ખરીદી બાબતે ચર્ચા કરી હતી. ત્યારબાદ આરોપીએ રાજકોટ સ્થિત કંપનીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા પ્રદર્શનમાં પણ સંપર્ક સાધ્યો હતો.
શરૂઆતના તબક્કામાં વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી મહિનાથી આરોપીએ સાટિન ડાઈંગ પ્રિન્ટ તથા સાટિન બ્લેક-રેડ અને ડાઈંગ વાઈટ-બ્લેક કાપડનો ઓર્ડર આપ્યો હતો. શરૂઆતમાં સમયસર અને કટકે-કટકે પેમેન્ટ ચૂકવીને કંપનીનો વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્યો હતો. આ વિશ્વાસ વધ્યા બાદ આરોપીએ તેની કંપની વતી કલ્પેશ કાપડિયા નામના વ્યક્તિ સાથે વાતચીત કરવાનું કહી ક્રેડિટ લિમિટેડની મર્યાદા વધારી દીધી હતી. વિશ્વાસમાં આવીને કંપનીએ મોટા પ્રમાણમાં માલનો જથ્થો મોકલવાનું ચાલુ રાખ્યું હતું.
વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ સાત માસના સમયગાળામાં આરોપીએ રૂા. ૮,૬૯,૦૪,૬૦૫/- (અંદાજે રૂા. ૮.૯૭ કરોડ) ની કિંમતનું કુલ ૭,૬૬,૯૨૬/- મીટર કાપડ ખરીદ્યું હતું. જેની સામે આરોપીએ માત્ર રૂા. ૩,૫૨,૪૫,૨૬૦/- ચૂકવ્યા હતા, જ્યારે બાકી નીકળતી માતબર રકમ રૂા. ૫,૪૪,૫૬,૩૧૫/- ચૂકવવામાં આવ્યા ન હતા. સમય જતાં જ્યારે કંપની દ્વારા નાણાંની ઉઘરાણી કરવામાં આવી ત્યારે આરોપી દ્વારા અવનવા અને પાયાવિહોણા બહાના બનાવવામાં આવ્યા હતા.
નાણાં માંગતી વખતે આરોપી એવું રટણ કરતો હતો કે મોકલવામાં આવેલો માલ ઇન્ડોનેશિયા એક્સપોર્ટ કરવામાં આવ્યો છે અને તે ખરાબ નીકળ્યો છે. જોકે, કંપનીની વધુ તપાસ અને છાનબીન દરમિયાન એ હકીકત બહાર આવી હતી કે આરોપીએ કોઈ જ માલ વિદેશ એક્સપોર્ટ કર્યો જ નહોતો. આરોપીએ બારોબાર લોકલ માર્કેટમાં માલ વેચી દીધો હતો અને કંપની સાથે ગંભીર પ્રકારની છેતરપિંડી આચરી હતી.
આ સમગ્ર પ્રકરણમાં આરોપી પ્રેમચંદ અશોકકુમાર મિત્તલ (રહે. ઓફીસ-નર્સીંગ સદન, ૧-ગોલીબાર રોડ, શાંતાક્રુઝ ઇસ્ટ, મુંબઈ) સામે ભારતીય ન્યાય સંહિતાનીકલમ ૩૧૮(૪) મુજબ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનાની તપાસ પી.એસ.આઈ. પી.એન. પરમાર દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. કંપનીને આર્થિક નુકસાન પહોંચાડનાર આ ઠગ વેપારી સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


