પીઆઇ વાઢીયાના પિતરાઇ બહેન, હેર સલૂનના ધંધાર્થી અને યુવાનને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યો
રાજકોટ : રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ 3 લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં પીઆઇ વાઢીયાના પિતરાઇ બહેન, હેર સલૂનના ધંધાથી અને યુવાનનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે.
મળતી વિગત મુજબ માધાપર ચોકડી નજીક એપલગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જયેશભાઇ વાઢીયાના પિતરાઇ બહેન વર્ષાબેન ભાવેશભાઇ પીઢયા (ઉ.વ.49)ને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક વર્ષાબેનને સંતાનમાં એક પુત્ર છે.
બીજા બનાવમાં કોઠારિયા સોલવન્ટમાં રહેતો અને આયુષ હેરસ્ટાઇલ નામે હેર સલૂનની દુકાન ધરાવતો અતુલ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.36) સવારના આઠ વાગ્યાના અરસામાં પોતાની દુકાને હતો. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તબીબે યુવકનુ હાર્ટએટેકથી મોત નીપજ્યાનુ જાહેર કર્યુ હતું. મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો.
ત્રીજા બનાવમાં બેડી ગામે રહેતા અનીલભાઇ અમુભાઇ મકવાણા (ઉ.વ.40) પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના સમયે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યુ હતું. એકલવાયુ જીવન જીવતા અનિલ મકવાણાને સવારે તેનો મિત્ર જગાડવા જતા મૃત હાલતમાં મળી આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


