મોરબી જિલ્લાના જેતપર ગામે હળવદ ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી જમીન અને પાકને થનારા નુકસાન સામે યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઈન સંબંધિત કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને જોરદાર વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી.
ખેડૂતોનું કહેવું છે કે ટ્રાન્સમિશન લાઈનના ટાવર અને વીજ લાઈન તેમના ખેતરોમાંથી પસાર થવાના કારણે ખેતીને નુકસાન થવાની શક્યતા છે. ઉપરાંત, જમીનના ઉપયોગ પર પણ અસર પડશે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને યોગ્ય વળતર અને સ્પષ્ટતા આપવામાં આવી નથી, જેના કારણે તેઓ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.
વિરોધને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત રહ્યા હતા જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે. ખેડૂતો અને કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાના પ્રયાસો પણ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે કોઈ સમાધાન બહાર આવ્યું નથી.
ખેડૂતોના સમર્થનમાં સામાજિક અને રાજકીય આગેવાનો પણ મેદાને ઉતર્યા હતા. પાલ આંબલિયા સહિતના અનેક નેતાઓ જેતપર ગામે પહોંચ્યા હતા અને ખેડૂતોની માંગણીઓને વાજબી ગણાવી તેમનો સમર્થન જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય મળ્યા વિના કોઈપણ કામગીરી થવી જોઈએ નહીં.
વિરોધ દરમિયાન ખેડૂતો દ્વારા “વળતર નહીં ત્યાં સુધી કામ નહીં”ના નારા લગાવવામાં આવ્યા હતા. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને યોગ્ય વળતર જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે.
હાલ સમગ્ર મામલે તંત્ર, કંપની અને ખેડૂતો વચ્ચે કોઈ સર્વસંમતિ સર્જાઈ નથી. જેના કારણે જેતપર ગામે ટ્રાન્સમિશન લાઈનનો મુદ્દો વધુ ગરમાયો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


