IPL 2026 Qualifier-1: RCBનો ગુજરાત ટાઇટન્સ પર દમદાર વિજય, સીધી ફાઇનલમાં એન્ટ્રી
Royal Challengers Bengaluru અને Gujarat Titans વચ્ચે રમાયેલ IPL 2026ના ક્વોલિફાયર-1 મુકાબલામાં RCBએ એકતરફી પ્રદર્શન કરીને 92 રને ભવ્ય જીત નોંધાવી ફાઇનલમાં સીધી એન્ટ્રી મેળવી લીધી છે. ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાયેલા આ હાઈવોલ્ટેજ મુકાબલામાં વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચેની ટક્કરથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ આખી મેચમાં RCBનું પ્રભુત્વ રહ્યું.
પ્રથમ બેટિંગ કરતા RCBએ શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. વિરાટ કોહલીએ ઝડપી 43 રનની ઇનિંગ રમી ટીમને મજબૂત શરૂઆત અપાવી, જ્યારે દેવદત્ત પડિકલએ પણ ઝડપી રન બનાવ્યા. જોકે મેચનો સૌથી મોટો હીરો બન્યો ટીમનો કેપ્ટન રજત પાટીદાર. તેણે માત્ર 33 બોલમાં અણનમ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જેમાં 9 છગ્ગા અને 5 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. છેલ્લા ઓવરોમાં RCBએ ધૂઆંધાર બેટિંગ કરતા 20 ઓવરમાં 254/5નો વિશાળ સ્કોર ઉભો કર્યો, જે IPL પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર માનવામાં આવી રહ્યો છે.
255 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત જ ખરાબ રહી હતી. RCBના બોલરોએ પાવરપ્લેમાં જ ગુજરાતના ટોપ ઓર્ડરને ધરાશાયી કરી દીધો હતો. શુભમન ગિલ સહિતના મુખ્ય બેટ્સમેન સસ્તામાં આઉટ થતા ટીમ દબાણમાં આવી ગઈ હતી. એક સમયે ગુજરાતનો સ્કોર 51/5 હતો. ત્યારબાદ રાહુલ તેવટિયાએ લડાયક 68 રનની ઇનિંગ રમી ટીમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજા છેડે સતત વિકેટો પડતી રહી. આખી ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
RCB તરફથી જેકબ ડફીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે રસીખ સલામ દારે પાવરપ્લેમાં જ ડબલ વિકેટ મેઈડન ફેંકીને મેચનો રૂખ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં RCBનું સંપૂર્ણ પ્રભુત્વ જોવા મળ્યું હતું.
મેચ બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે હારને “ભૂલવા જેવી મેચ” ગણાવી હતી. ગિલે સ્વીકાર્યું કે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય ટીમ માટે ભારે પડ્યો હતો અને RCBએ દરેક વિભાગમાં વધુ સારો ખેલ બતાવ્યો હતો.
આ જીત સાથે RCB સતત બીજી વખત IPL ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ટીમ ટાઇટલ ડિફેન્ડ કરવાની દિશામાં એક પગલું વધુ આગળ વધી ગઈ છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પાસે હજુ પણ ફાઇનલમાં પહોંચવાની એક તક બાકી છે, કારણ કે ટીમ હવે ક્વોલિફાયર-2માં એલિમિનેટર વિજેતા સામે ટક્કર લડશે.


