ઉનાળાની રજાઓમાં Statue of Unity ખાતે પ્રવાસીઓનો ધસારો, તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા
નર્મદા જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ Statue of Unity ખાતે ઉનાળાની રજાઓ દરમિયાન પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે અહીં મુલાકાતે પહોંચી રહ્યા છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
તાજેતરમાં વડાપ્રધાન Narendra Modiએ દેશવાસીઓને બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળીને ભારતના સુંદર પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા અપીલ કરી હતી. ખાસ કરીને ડેસ્ટિનેશન વેડિંગ અને વેકેશન માટે દેશના સ્થળોને પ્રોત્સાહન આપવા કરાયેલી આ અપીલનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તેની સીધી અસર હવે Statue of Unity ખાતે જોવા મળી રહી છે, જ્યાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
વધતી ગરમીને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને રાહત મળે તે માટે Statue of Unity પરિસરમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સ્થળ પર વોટર સ્પ્રિંકલર્સ મુકવામાં આવ્યા છે જેથી પ્રવાસીઓને ઠંડક મળી રહે. ઉપરાંત, લાંબી કતારોમાં ઉભા રહેતા લોકોને ગરમીથી બચાવવા માટે કેનોપી શેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે ઠંડા પાણીની પરબ, વિશેષ બસ સેવા, કાર સુવિધા તેમજ એસ્કેલેટરની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રવાસીઓએ પણ અહીંની વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઘણા પ્રવાસીઓએ જણાવ્યું કે ગરમી હોવા છતાં તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓને કારણે મુલાકાત વધુ સરળ અને આરામદાયક બની છે. સુરક્ષા, સફાઈ અને ટ્રાફિક મેનેજમેન્ટને લઈને પણ તંત્ર સજ્જ બન્યું છે.
Statue of Unity માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ બની ગયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતું આ સ્થળ હવે પરિવાર પ્રવાસ, નેચર ટૂરિઝમ અને ડેસ્ટિનેશન ઇવેન્ટ્સ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.


