મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેરના સીરામીક ઉદ્યોગ વિસ્તારમાં ગુરુવારે ભયાનક આગની ઘટના સામે આવી હતી. સરતાનપર રોડ પર આવેલી લેમઝોન નામની સીરામીક ફેક્ટરીના પ્રેસ વિભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
આગ લાગતા ફેક્ટરીમાં કામ કરતા કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામદારો તાત્કાલિક ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીના મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર ટીમોએ આગને કાબૂમાં લીધી હતી જેથી વધુ નુકસાન થતું અટકાવવામાં સફળતા મળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ આગ ફેક્ટરીના પ્રેસ વિભાગમાં લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિક તંત્ર પણ સ્થળ પર પહોંચ્યું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
સદભાગ્યે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ફેક્ટરીના મશીનરી અને માલસામાનને મોટું નુકસાન પહોંચ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને સીરામીક ઉદ્યોગ વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


