મોરબીમાં સિરામિક ઉદ્યોગ માટે જીએસટી સેમિનારનું આયોજન
મોરબી:
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા જીએસટી વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડીજીટીએસના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તથા પંકજકુમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ટેક્સપેયર્સ અને સિરામિક ઉદ્યોગકારોને જીએસટી સંબંધિત માર્ગદર્શન આપવા માટે યોજાયેલા આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી સમસ્યાઓ, રિફંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેમજ જીએસટી અનુપાલન અંગે અધિકારીઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી.
સેમિનાર દરમિયાન ઉદ્યોગકારોએ સિરામિક ટાઈલ્સ પર લાગુ જીએસટી દરને ૫ ટકા સુધી ઘટાડવા માટે રજૂઆત કરી હતી. ઉદ્યોગના વિકાસ માટે આ દર ઘટાડવો જરૂરી હોવાનું ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.
રાજકોટમાં ડોક્ટરની ભૂલનો આરોપ, પરિવારની હાલત દયનીય બની
રાજકોટ:
ડોક્ટરની એક ગંભીર ભૂલના કારણે એક પરિવારનું જીવન ઉથલપાથલ થઈ ગયું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પરિવારનો આરોપ છે કે પિતાના કેન્સરના ઓપરેશન માટે ચાર લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા, પરંતુ ઓપરેશન બાદ તેમની તબિયત વધુ લથડી ગઈ.
આ ઘટના બાદ પરિવારની દીકરીને ભણતર છોડવાની ફરજ પડી છે, જ્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે માતાને ચોકીદાર તરીકે નોકરી કરવી પડી રહી છે. ધોરણ-૯માં ભણતી દીકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કર્યો છે.
દીકરીએ આરોપ લગાવ્યો છે કે શિવ હોસ્પિટલમાં ડો. કામિલ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન બાદ પિતાની હાલત સતત બગડતી ગઈ, છતાં ડોક્ટર તરફથી વારંવાર તબિયત સુધરશે તેવી ખાતરી આપવામાં આવી. એક વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યા બાદ પણ યોગ્ય પરિણામ ન મળતા પરિવારે મનપામાં ફરિયાદ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
દીકરીએ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી પાસે મદદની માંગ પણ કરી છે.
રાજકોટમાં સિટી બસની દાદાગીરીનો વીડિયો વાયરલ
રાજકોટ:
રાજકોટ શહેરમાં સિટી બસના સ્ટાફની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાલાવડ રોડથી વાવડી વિસ્તારમાં જતી સિટી બસ નંબર ૨૩નો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
આરોપ છે કે પુનિતનગર ૮૦ ફૂટ સુધીની ટિકિટ લીધા બાદ પણ મુસાફરોને બાપા સિતારામ ચોક ખાતે અડધા રસ્તે ઉતારી દેવામાં આવ્યા હતા. ઉપરાંત અનેક મુસાફરોને ટિકિટ આપ્યા વિના જ રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પરિવહન વિભાગની કામગીરી પર સવાલો ઊભા થયા છે. હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.
મહિલા સાયન્સ કોલેજમાં ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ’ અંતર્ગત સાયન્સ ફેર
રાજકોટ:
શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ ખાતે ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ’ અંતર્ગત સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવશે. આ સાયન્સ ફેરમાં ઘર વપરાશની વિવિધ ચીજવસ્તુઓનું સ્થળ પર જ ફ્રી ટેસ્ટિંગ કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓની શુદ્ધતા અંગે જાગૃત કરવાનું આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય છે. કોલેજ દ્વારા આયોજિત આ સાયન્સ ફેરમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


