મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલ પાડાપુલને ગુરુવાર રાત્રે 12:00 વાગ્યાથી વાહનોની અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યો છે. પુલમાં જરૂરી રીપેરીંગ કામગીરી હાથ ધરવાના કારણે આ નિર્ણય લેવાયો છે.
પુલના બેરિંગ બદલવા, જોઈન્ટ બદલવા સહિતની મહત્વપૂર્ણ કામગીરી માટે પુલ બંધ રાખવામાં આવ્યો છે. આ અંગે બે દિવસ અગાઉ જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને પુલ બંધ કરવાની માહિતી આપવામાં આવી હતી.
અધિકારી માહિતી મુજબ, આગામી 45 દિવસમાં પુલના કુલ 9 સ્પાન (ગાળા)ના 54 બેરિંગ બદલવામાં આવશે તેમજ 10 જોઈન્ટની પણ બદલવાની કામગીરી કરવામાં આવશે. રીપેરીંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
સ્થાનિક નાગરિકોની સલામતી અને પુલની મજબૂતી જાળવવા માટે આ કામગીરી અત્યંત જરૂરી હોવાનું તંત્રએ જણાવ્યું છે.


