(આઝાદ સંદેશ),રાજકોટ: વાવડી રોડ પરની ન્યુ જય ભારત સોસાયટી શેરી નં.1/2 કોર્નર પર રહેતા મુસાફરને રીક્ષામાં બેસાડી અને ખીસ્સામાંથી રોકડા રૂા.12 હજાર તફડાવી લેનાર ગેંગના એક સભ્યને એલસીબી ઝોન-2ના સ્ટાફે ઝડપી લીધો હતો. જેને કારણે ચારેક બનાવના ભેદ ખુલ્યા છે.
મળતી માહિતી મુજબ એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલાને મળેલી બાતમીના આધારે સંજય મગનભાઇ બાંભણીયા (રહે.આજીડેમ પાસે, માંડાડુંગરના ઢાળ પાસે)ને ઝડપી લઇ તેની પાસેથી રોકડા રૂા.12 હજાર, ગુનામાં વપરાયેલી રીક્ષા કબજે કરી હતી. પુછપરછમાં તેની સાથે સંડોવાયેલા ભુરા શામજીભાઇ સિંઘવ અને ઢેબો સરાનીયા (રહે.બંન્ને આજીડેમ પાસે, માંડાડુંગરના ઢાળ પાસે)ના નામ ખુલતા આ બંન્નેની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા સંજયે ગેંગના સભ્યો સાથે એકાદ માસ પહેલા રૈયા ચોકડી નજીકથી મુસાફરને બેસાડી રૂા.9 હજાર, 25 દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીથી મુસાફરને બેસાડી રૂા.5500, માધાપર ચોકડીથી મુસાફરને બેસાડી રૂા.3 હજાર ઉપરાંત અલગ અલગ જગ્યાએથી પેસેન્જરોને બેસાડી ખીસ્સામાંથી પાકીટ અને રોકડ સેરવી લીધાની કબુલાત આપી છે. આરોપી સંજય વિરૂદ્ધ આ અગાઉ મારામારી અને ચોરી સહીતના ગુના નોંધાયા છે. 2024માં પાસાની હવા પણ ખાઇ ચુક્યો છે. વોન્ટેડ આરોપી ભુરા વિરૂદ્ધ શાપર અને કાલાવડ ઉપરાંત રાજકોટના પોલીસ મથકમાં ચોરી, મારામારી સહીતના ચાર ગુના નોંધાયેલા છે. આ ગેંગ મુસાફરને રીક્ષામાં બેસાડયા બાદ પાછળ બેઠેલા ગેંગના સભ્યો ઉલ્ટી-ઉબકાના બહાને મુસાફરના ખીસ્સામાંથી પાકીટ કે રોકડ રકમ સેરી લેવાની ટેવ ધરાવે છે.
મુસાફરના ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગનો સાગરિત ઝડપાયો : ચાર ગુનાની કબુલાત આપી
