પ્ર.નગર પોલીસે તમામ હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં સામાન્ય બાબતે પણ માથાકુટની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ફરી એક વખત રૂખડીયાપરામાં થયેલી માથાકુટ બાબતે પેટ્રોલીંગ કરવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કરી દેતા પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી મુજબ પોલીસ કોન્સ્ટેબલ રીયાઝ ભીપોત્રાએ રૂખડીયાપરાના માજીદ ભાણુ સહીત તેના દસ થી બાર સાગરીતો સામે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, ગત રોજ રાત્રે તેઓ પેટ્રોલીંગમાં હોય ત્યારે પોલીસ મથકના સર્વેલન્સ સ્ક્વોડના તોફીક મંઘરાએ તેઓને ફોન કરી રૂખડીયાપરા ખાતે માથાકુટ થઇ હોવાનું જણાવી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલીક બનાવ સ્થળે પહોંચવાનું જણાવતા તેઓ તથા તેની સાથે રહેલા ડી.વી.ખાંભલા અને મયુરરાજસિંહ જાડેજા ત્યાં પહોંચ્યા હતા. જ્યાં પહેલેથી જ પ્ર.નગર પીઆઇ ડોબરીયા અને પીએસઆઇ બેલીમ અને પો.કો.તોફીક મંઘરા હાજર હોય અને અહીં રહેતા ફરીદાબેનના ઘરે માજીદ ભાણુ અને તેના સાગરીતોએ કાચની બોટલોના ઘા કરી શાંતિ ડહોળાઇ તેવું ભયનું વાતાવરણ ઉભું કરેલ હોય જેથી બનાવની વિગત મેળવી તેઓ તથા મયુરરાજસિંહ જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ પાસે રહેલ સ્લમ ક્વાર્ટર કમિટી ચોક ખાતે પહોંચતા ત્યાં માજીદ ભાણુ અને તેના સાગરીતો લાકડાના ધોકા સાથે ઉભેલા હોય જેથી માજીદને બોલાવી પોલીસ તરીકેની ઓળખાણ આપતા માજીદ ભાણુએ ઉશ્કેરાઇ જઇ કહ્યું હતું કે, ‘તું પોલીસ હોય તો શું થયું? અમે આ વિસ્તારના ડોન છીએ’ કહી અમારી સાથે ઝઘડો કરી અમારા વિસ્તારમાં કેમ આવેલ છો? તેવું કહી ઝપાઝપી શરૂ કરી હતી. જેથી આવું કરવાની ના પાડતા મારી પીઠના ભાગે ઢીકો મારી દીધો હતો. જેને લઇ સાથે રહેલા મયુરરાજસિંહે છોડાવવાનો પ્રયત્ન કરતા તેને પણ ભુંડી ગાળો આપી ઝઘડો કરવાનું શરૂ કરી પથ્થરોના છુટા ઘા કર્યા હતા. જેને લઇ અમે ત્યાંથી બહાર નીકળી મદદ માટે પીઆઇ ડોબરીયા તેમજ પીએસઆઇ બેલીમ અને પો.કો.મંઘરાને જાણ કરતા તેઓ આવેલ હતા. જેથી અમે બધા મળી બનાવ સ્થળે જતા અમારા મોટરસાયકલને પણ લાકડાના ધોકા અને પથ્થરોના ઘા કરી નુક્શાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી ગેરકાયદેસર મંડળી રચનાર માજીદ ભાણુ અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે. આ અંગે પ્ર.નગર પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.