(આઝાદ સંદેશ), રાજકોટ : રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જીએસટી કાયદાની કલમ 132(1) (સી)ના ગુના સબબ રૂ.86.57 કરોડના બોગસ બિલો થકી રૂ.15.58 કરોડની ખોટી વેરાશાખ લેવાના આરોપસર કેપ્કો એલોય્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર કૃપેશભાઈ પટેલની ધરપકડ થયા બાદ આરોપી વેપારી દ્વારા જામીન ઉપર મુક્ત થવા માટે કરેલી અરજીની સુનવણી થતા વેપારીને જામીન ઉપર મુક્ત કરતો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ફરમાવવામાં આવેલ છે.
આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજ્યના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગુપ્ત માહિતીના આધારે ઉક્ત વેપારીના ધંધાના તથા રહેઠાણના સ્થળે દરોડા પાડવામાં આવેલ અને સર્ચ-સીઝર ઓપરેશન હાથ ધરવામાં આવેલ. આ સર્ચ ઓપરેશનના અંતે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા થોકબંધ ધંધાકીય સાહિત્ય. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, વિગેરે જપ્ત કરવામાં આવેલ. ત્યારબાદ જીએસટી કાયદાની કલમ 70 હેઠળ સમન્સ આપી નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સદરહુ સમગ્ર તપાસ દરમ્યાન આ કામના આરોપી વેપારી દ્વારા જે પેઢીઓમાંથી ખરીદી બતાવીને વેરાશાખ ભોગવેલ તે પેઢીઓ સ્થળ પર મળી આવેલ ન હોય તેમજ બોગસ દસ્તાવેજોના આધારે નોંધણી નંબર મેળવેલ હોય અને ત્યારબાદ તેઓના નોંધણી નંબર પણ રદ થયેલ હોય તેમજ આવી 69 બોગસ પેઢીઓ થકી રૂ.15.58 કરોડની બોગસ વેરાશાખ આ કામના આરોપી વેપારીએ ભોગવેલ હોવાનું ધ્યાને આવેલ. વેરાની સલામતી માટે જીએસટી કાયદાની કલમ 83 મુજબ ફેક્ટરી લેન્ડ, માલ સ્ટોક, પ્લાન્ટ મશીનરી, વિગેરે મિલકતો પર કામચલાઉ ટાંચ પણ મૂકવામાં આવેલ. ત્યારબાદ આ કામના આરોપી વેપારી કૃપેશભાઈ પટેલની જીએસટી કાયદાની કલમ 132(1) (સી) ના ગુના સબબ ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ જામીન ઉપર મુક્ત થવા આરોપી વેપારી દ્વારા પોતાના વકીલશ્રી મારફત નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ.
જેમાં બંન્ને પક્ષોની દલીલોના અંતે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર વેપારીને કેટલીક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરતો હુકમ તાજેતરમાં ફરમાવવામાં આવેલ. ઉપરોક્ત કેસમાં વેપારી કૃપેશભાઈ પટેલ વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતા તથા જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા.