(આઝાદ સંદેશ),રાજકોટ: શહેર પોલીસે વિદેશી દારૂ અંગે જુદા જુદા પાંચ સ્થળે દરોડા પાડી પાંચ શખ્સને ઝડપી લઇ દારૂ તથા વાહનો સહિત કુલ રૂ.9.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આગામી 31મી ડિસેમ્બરને અનુલક્ષીને દારૂની મહેફિલ તેમજ હેરાફેરી અટકાવવા માટે શહેર પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલી હોય તે સૂચનાના અનુસંધાને કુવાડવા રોડ પર ફર્ન હોટેલ નજીકથી કારને રોકી તલાશી લેતા 108 ચપલા દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.4,37,548નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક ચંદુ લખમણ ટોપિયાની ધરપકડ કરી હતી. રૈયા રોડ પરથી પોલીસે 51 બોટલ દારૂ ભરેલી કાર સાથે પોલીસે ત્રિલોક પાર્કના મીત મનીષ સાગોટિયાને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રુ.3,77,442નો મુદામાલ જપ્ત કર્યો હતો. પુનિતનગર મેઇન રોડ પરથી પ્રકાશ ઉર્ફે પકો ભરત બરબચિયા રૂ.200ની કિંમતના એક ચપલા દારૂ સાથે પકડાયો હતો, જ્યારે થોરાળા વિસ્તારમાં કારમાંથી 54 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.1,64,603નો મુદ્દામાલ જપ્ત કરી કારચાલક હિતેશ ગોબર ચાવડાની ધરપકડ કરી હતી.
પાંચમા દરોડામાં ડીસીબી પોલીસ મથકના સ્ટાફે ગુંદાવાડી શેરી નં-14માં રામાપીર મંદિર પાછળથી કિશન લાલજી ચાવડા (ઉ.વ.19)ને અંગ્રેજી દારૂના 96 ચપલા કિંમત રૂ. 16,320 સાથે ઝડપી લીધો હતો. જેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા તિનપત્તી તેમજ વરલી-ફિચરના આંકડા લખી જૂગાર રમવાના ત્રણ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં શનિવારે રાત્રે પોલીસે કુવાડવા રોડ પર રણછોડનગર શાળા નં.15 પાસે જુગાર રમતા મુકેશ પઢારિયા, અજય મકવાણા, મનસુખ મકવાણા, પારસ મકવાણા, રાકેશ ચૌહાણ અને નરોતમ પિત્રોડાને ઝડપી લઇ રોકડા રૂ.32600 કબજે કર્યા હતા.
બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકની ટીમે કુબલિયાપરા શેરી નં-પમાં જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતા સાગર વિજય સોનછાત્રા, સંજય ગોવિંદ ટોળિયા અને ઇબ્રાહીમ કરીમ અજમેરી નામના શખસને ઝડપી લીધા હતા. તેઓની પાસેથી રૂ.11,300નો રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ત્રીજા દરોડામાં કોઠારિયા મેઇન રોડ ઉપર સ્વાતિપાર્ક પાસે આવેલ કોમન પ્લોટમાં જાહેરમાં વરલી-ફિચરના આંકડા લખી જૂગાર રમતા સુખદેવ કાળુભાઇ ચાવડા (ઉ.વ.32)ને પીસીબી સ્ટાફે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.2100ની રોકડ તેમજ એક મોબાઇલ મળી 5100નો મુદ્દામાલ કબજે કરાયો હતો.