શહેર એસઓજીની ટીમે રામજી મંદિર પાસે આવેલ ધ્વનિ ક્લિનિકમાં દરોડો પાડ્યો’તો : પૂછપરછ દરમિયાન હિરેન પાસેથી કોઇપણ પ્રકારની ડિગ્રી ન મળી આવતા ઝડપી લેવાયો : રૂ.20 હજારનો મુદ્દામાલ કબજે કરાયો
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજ્યભરમાંથી બોગસ તબીબો ઝડપવાનો સીલસીલો યથાવત રહ્યો છે. રાજકોટ નજીકના ખોરાણા ગામમાંથી પણ એસઓજીએ ધો.12 પાસ નકલી તબીબને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
હીરેન મહેશભાઇ કાનાબાર (ઉ.36)ને 2023ની સાલમાં પણ એસઓજીએ ઝડપી લીધો હતો. આમ છતાં આ કાર્યવાહીનો કોઇ ફરક પડયો ન હોય તેમ તેણે ફરીથી ડોક્ટર તરીકેની પ્રેક્ટીશ શરૂ કરી દીધી હતી. તે મોરબી રોડ જકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટી શેરી નં.4માં રહે છે. એસઓજીને બાતમી મળતા ખોરાણા ગામે રામજી મંદિર પાસે આવેલ ઘ્વનિ ક્લિનીકમાં દરોડો પાડી હીરેનને ઝડપી લીધો હતો. તેની ક્લિનીકમાંથી એસઓજીએ હોસ્પિટલના જુદા જુદા સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શનો અને રોકડ રકમ રૂા.520 મળી કુલ રૂા.20,510નો મુદામાલ કબજે કર્યો હતો. તેના વિરૂદ્ધ એસઓજીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.