એલટી કોલેજના ગેઇટ સામે બનેલી ઘટનામાં બાળકની માતા હેતલબેન ગોહેલ (ઉ.વ.33) પણ ઇજાગ્રસ્ત, સિટી બસના ચાલકે સર્જેલી અકસ્માતની વધુ એક ઘટના બાદ શહેરીજનોમાં રોષ : કાર્યવાહી કરવા માંગ કરાઇ
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ નજીકના કણકોટ ગામે આજે સવારે સિટી બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે બસે માતા-પુત્રને કચડી નાખ્યા હતા. જેમાંથી પુત્રનું માતાની નજર સામે કમકમાટીભર્યું મોત નીપજતા અરેરાટી મચી ગઇ હતી. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી સીટી બસના ચાલકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ કણકોટ ગામ પાસે લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરીંગ કોલેજના ગેઇટ સામે આ ઘટના બની હતી. આ સ્થળે યુ ટર્ન લેતી વખતે સિટી બસના ચાલકે ઘ્યાન રાખ્યું ન હતું. જેને કારણે બાળકનો ભોગ લેવાયો હતો. કણકોટ ગામમાં ક્રિષ્નાનગરમાં રહેતા હેતલબેન ભરતભાઇ ગોયલ (ઉ.33)ના પતિ મજૂરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર રાજવીર છે. જેની ઉંમર 7 વર્ષ છે.આજે સવારે હેતલબેન પુત્ર રાજવીરને ઘરેથી લઇ નાસ્તો લેવા માટે જતા હતા ત્યારે પાછળથી પુરઝડપે ઘસી આવેલી સિટી બસે બંન્નેને હડફેટે લીધા હતા. જેને કારણે બસની આગળનું વ્હીલ રાજવીરના મોઢા સહીતના ભાગ ઉપરથી ફરી વળ્યું હતું. જ્યારે હેતલબેનનો જમણો પગ વ્હીલ નીચે આવી ગયો હતો. બસનું વ્હીલ ફરી વળતા રાજવીરનું મોઢુ અને આખુ શરીર છુંદાઇ જતા સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે હેતલબેનનો જમણો પગ કપાઇ ગયો હતો. માત્ર ચામડીના ભાગ સાથે પગ લટકી ગયો હતો. જાણ થતા આસપાસના લોકો ભેગા થયા હતા. જેમાંથી કોઇએ 108ને જાણ કરતા તેના તબીબે રાજવીરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે હેતલબેનને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતને પગલે બસનો ચાલક લોકોના ગુસ્સાથી બચવા ત્યાંથી રવાના થઇ ગયો હતો. આ અંગે જમાદાર બી.જે.ખેરે હેતલબેનની ફરિયાદ પરથી બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.