(આઝાદ સંદેશ) : તમારા બાળકને જો સ્માર્ટફોન અને ટેબલેટની આદત પડી ગઈ છે, તો આ આદત તમારા બાળકને મંદબુદ્ધિનું બનાવી શકે છે. આ કોઈ સામાન્ય માહિતી નહીં પરંતુ એક રિસર્ચની માહિતી છે.
બાળકોમાં સ્માર્ટફોન અને ટેબલેટની વધી રહેલી આદતને લીધે તેઓની તકનિકી કુશળતાને નુકસાન પહોંચી શકે છે. આ ગંભીર હકીકત ઓસ્ટ્રેલિયાની એક શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવેલા રીપોર્ટમાં બહાર આવી છે. શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવેલા રીપોર્ટમાં વર્ષ 2011ના કેટલાક બાળકોમાં આઇટી સાક્ષરતાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે, બાળકોએ સ્માર્ટફોન અને ટેબલેટ પર અલગ પ્રકારની કુશળતા મેળવી છે. જે કાર્યસ્થળ પર જરૂર પડનારી તકનિકી કુશળતાથી અલગ પડે છે. આ રીપોર્ટમાં કહ્યા અનુસાર ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં તકનીકી શિક્ષણમાં કરવામાં આવેલા ફેરફાર તકનિકી કુશળતામાં ઘટાડો થવાને લીધે જ કરવામાં આવ્યા હોય તેવું બની શકે છે.
આ સાથે જ રીપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, ઉપકરણોમાં આવતા બદલાવને લીધે પણ આ ફેરફાર કરવામાં આવ્યો હશે. ઓસ્ટ્રેલીયાના રાષ્ટ્રીય મૂલ્યાંકન કાર્યક્રમનો આ રીપોર્ટ બાળકોના બે સમુહ પરથી તૈયાર કરવામાં આવ્યો છે. જેમાંથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હોય તેવો એક સમુહ અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હોય તેવો બીજો સમુહ હતો.
આ અભ્યાસમાં 10,500 બાળકોએ ભાગ લીધો હતો. આ રીપોર્ટમાં ડીઝીટલ સાક્ષરતાથી લઈને 2014ના અંતમાં કરવામાં આવેલા સર્વેની તુલના કરવામાં આવી હતી. આ સમયગાળામાં તકનીકી સાક્ષરતાના મામલામાં બાળકોના બંને સમુહમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ રીસર્ચ વાંચીને તમને લાગ્યું હશે કે આ રીપોર્ટ ઓસ્ટ્રેલીયાના બાળકોને લાગુ પડે છે. આથી ભારત દેશના બાળકો માટે કોઈ ચિંતાનો વિષય નથી. પરંતુ તમે પણ જોયું જ હશે કે જે બાળક સ્માર્ટફોન, ટેબલેટ કે લેપટોપમાં ગેમ રમવામાં માહિર હશે તે આઉટડોર ગેમમાં એટલો સારો દેખાવ કરી શકશે નહીં. આ સાથે જ ઉલ્લેખનીય છે કે, ડીઝીટલ ઇન્ડિયા તરફ હરણફાળ ભરી રહેલા ભારત દેશમાં રહેતા બાળકો પર ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલી છે.