43 વર્ષીય જગમલભાઈ તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો : પરિવારમાં શોક
રાજકોટ : રીબડાની કંપનીમાં કામ કરતી વખતે જૂનાગઢના જગમલભાઈ ભેટારીયા ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. 43 વર્ષીય જગમલભાઈ તત્કાલ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. જેથી પરિવારમાં શોક છવાયો હતો.
મળતી માહિતી અનુસાર, જગમલભાઈ હમીરભાઈ ભેટારીયા (ઉંમર વર્ષ 43, રહે. વ્રજભૂમિ સોસાયટી, વિશ્વકર્મા સોસાયટી પાસે, વંથલી રોડ, જૂનાગઢ) આજે સવારે 10.30 વાગ્યાં આસપાસ રીબડા સિસ્ટેક કંપનીમાં હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો થતા બેભાન થઈ જતા તત્કાલ શાપરની આસ્થા હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયા હતા. બનાવના પગલે સાથી કર્મચારીઓ અને જૂનાગઢથી મૃતકના પરિવારજનો રાજકોટ સિવિલ ખાતે દોડી આવ્યા હતા. ગોંડલ તાલુકા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. સાથી કર્મચારીઓના જણાવ્યા મુજબ જગમલભાઈ જૂનાગઢના વતની હતા પરંતુ તેઓ રીબડાની કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. કંપની ખાતે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક બેભાન થઈ ગયા હતા. તેઓને હાર્ટ એટેક આવી ગયાનું અનુમાન છે.


