રાજકોટ : રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં લેબોરેટરીમાં નોકરી કરતાં બાઈક ચાલક યુવાને કાર જોઈને ચલાવવાનું કહેતા ચાર શખ્સો ધોકા વડે તુટી પડયા હતાં. હુમલામાં ઘવાયેલા યુવકને પગમાં ફેકચર જેવી ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાયો હતો.
મળતી વિગત મુજબ, શહેરમાં કાલાવડ રોડ પર નાનામવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતાં પ્રતિક જેન્તીભાઈ સોંદરવા નામનો ૨૩ વર્ષનો યુવાન સાડા બારેક વાગ્યાના અરસામાં મોટામવા સ્મશાન પાસે પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા કાર સ્વાર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. યુવકને પગના ભાગે ફેંકચર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં પ્રતિક સોંદરવા એક ભાઈ એક બહેનમાં મોટો અને અપરિણીત છે. પ્રતિક સોંદરવા કોટેચા ચોકમાં આવેલ લેબોરેટરીમાં કામ કરે છે. નોકરી પરથી ઘરે જતો હતો ત્યારે પ્રતિક સોંદરવાએ કાર જોઈને ચલાવવાનું કહેતા કાર સ્વાર શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


